મોરબીના ધારાસભ્ય વિરુદ્ધ આક્ષેપ કરવા મુદ્દે અજય લોરિયા સામે ભાજપે કરી કાર્યવાહી, જાણો?
Latest Morbi News: મોરબી જિલ્લા પંચાયત દ્વારા તાજેતરમાં લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરિયાની બાદબાકી કરવામાં આવી હતી, જે મુદ્દે તેમણે પત્રકાર પરિષદ યોજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સામે શાબ્દિક યુદ્ધ છેડયું હતું.
ધારાસભ્ય કાંતિલાલે પણ વળતા જવાબો આપ્યા હતા. ભાજપમાં ચાલી રહેલો જૂથવાદ ખૂલીને બહાર આવ્યા બાદ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખે પક્ષને નુકશાન થાય તેવું કૃત્ય ગણાવી ચેરમેન અજય લોરિયાને કારણદર્શક નોટિસ આપી છે. અને પગલાં કેમ ન લેવા તેના માટેનો 15 દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે.
પાર્ટી વિરુદ્ધ મેં ક્યારેય કામ કર્યું નથીઃ અજય લોરિયા
જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ જણાવ્યું કે પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ થઈ છે. જેથી ચેરમેનને નોટિસ આપી 15 દિવસમાં લેખિત ખુલાસો કરવાનું જણાવાયું છે. ચેરમેન અજય લોરિયાએ જણાવ્યું કે રાજકીય મામલો નથી. હું પાર્ટીને સદાય વફાદાર જ છું. પાર્ટી વિરુદ્ધ મેં ક્યારેય કામ કર્યું નથી. જે મામલો છે એ પર્સનલ છે. હું ફરજના ભાગરૂપે પાર્ટીને જવાબ આપી દઈશ.
આપણ વાંચો: નવનિર્માણ આંદોલનના ૫૦ વર્ષ પૂર્ણ, ABVP મોરબીએ કર્યું પોસ્ટર વિમોચન
શું છે સમગ્ર મામલો, જાણો?
મોરબી જિલ્લા પંચાયત દ્વારા તાજેતરમાં ત્રાજપર, માળિયા – વનાળીયા, જવાહરનગર તથા ભડિયાદ ગામ ખાતે રોડ રસ્તા, પીવાના પાણી સહિતની સુવિધાઓ માટે રૂપિયા 4.18 કરોડના ખર્ચે વિવિધ 66 જેટલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટેના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં સિંચાઇ સમિતિના ચેરમેન અજય લોરિયાના નામની બાદબાકી કરી નાખવામાં આવતા રાજકારણ ગરમાયું હતું.
આ મુદ્દે જિલ્લા પંચાયતના સદસ્ય અને ભાજપ અગ્રણી તથા પાટીદાર નવરાત્રીના આયોજક અજય લોરિયાએ પોતાનું નામ કાઢી નાખવાની ચેષ્ઠા કરનાર બીજું કોઈ નહીં પણ મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા હોવાનો આડકતરો ઈશારો કરી જણાવ્યું હતું કે, આ એક રાજકીય કિન્નાખોરી છે.
રાજકારણમાં એક બીજાને ન ગમતા હોય તે વાત અલગ છે. હું મારા કામથી ઉજળો છું અને મને મોરબીની પ્રજા સારી રીતે ઓળખે છે, હું છેલ્લા 10થી 12 વર્ષથી રાજકારણમાં છું અને બાંધકામ સમિતિના ચેરમેન તરીકે રહ્યો ત્યારે તત્કાલીન રાજ્યમંત્રી બ્રિજેશભાઈ સાથે મહેનત કરી મોરબી માટે 300થી 400 જેટલા જોબ નંબર મંજૂર કરાવી વિકાસ કામો કર્યા છે.
આપણ વાંચો: મોરબીમાં ભાજપમાં ઉકળતો ચરૂ, ધારાસભ્ય અમૃતિયા અને અજય લોરિયા આમને સામને
હું એને ધારાસભ્ય માનતો જ નથીઃ અજય લોરિયા
વધુમાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને આડે હાથ લેતા અજય લોરિયાએ કહ્યું હતું કે, કાંતિલાલ 30 વર્ષથી ધારસભ્ય છે પણ હું એને ધારાસભ્ય માનતો જ નથી, તેઓએ આશ્ચર્ય સાથે જણાવ્યું હતું કે, મોરબી હાલમાં ધારાસભ્ય વગરનું છે, જો ધારાસભ્ય હોય તો આ દશા ન હોય ! 30-30 વર્ષથી એક જ ધારાસભ્ય હોવા છતાં જનતાના કામ નહી થતા હોવાનું કહી કાંતિલાલને વીડિયોબાજ ધારાસભ્ય ગણાવ્યા હતા.
સાથે જ અજય લોરિયાએ પાટીદાર નવરાત્રી મહોત્સવના કોન્ટ્રાક્ટરને ન કામ નહીં કરવા ફોન કર્યો હોવાનું કહી આકરા ચાબખા માર્યા હતા. સાથે જ તેઓએ આમંત્રણ પત્રિકામાં નામ મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ નેતાગીરીને પણ જાણ કરી હોવાનું જણાવ્યું હતું.
આપણ વાંચો: મોરબીમાં માથાભારે ઇસમ અને બુટલેગરને પાસા હેઠળ જેલ ધકેલ્યા
ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ શું કહ્યું હતું?
આ મામલે કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, આમંત્રણ પત્રિકામાં નામ લખવું, ન લખવું તે જિલ્લા પંચાયતનો વિષય છે, મારે તે બાબતમાં કઈ લાગે વળગે નહીં. સાથે જ તેઓએ ધારાસભ્ય તરીકે 30 વર્ષમાં શું શું કર્યું તેનું સરવૈયું આપતા કહ્યું કે 1995માં હું ધારાસભ્ય બન્યો ત્યારે મોરબીમાં પીવા માટે અને ખેતી માટે પાણી ન હતું, મારા આવ્યા બાદ નર્મદાની કેનાલ આવી, પાંચ પાંચ મોટા પુલ બનાવ્યા, પહેલા સિરામિકના 150 કારખાના હતા આજે 1500 છે, સાથે જ તેઓએ કહ્યું હતું કે, મારી કામગીરી સરકાર અને પ્રજા જોવે જ છે એટલે જ તો એક વાર નહીં બે વાર નહીં પણ છ વખત મને ધારાસભ્ય બનાવ્યો છે.
આપણ વાંચો: મોરબીમાં બે લાખના 22 લાખ ચૂકવવા છતાં વ્યાજખોરોએ ખેતીની જમીનનું સોદાખત કરાવ્યું
ઉપરાંત કાંતિલાલે અજય લોરિયાનું નામ લીધા વગર કહ્યું હતું કે, કોઈ માણસની દુકાન બંધ થઇ જાય તેમાં પેટમાં તેલ રેડાય તો કાનાભાઇ શું કરે, હું વીડિયો બનાવું છું તો મારા કામ માટે બનાવું છું, મારુ સોશિયલ મીડિયા એક્ટિવ છે તેથી જ વડા પ્રધાન મોદી હોય કે, અમિતભાઇ હોય કે પછી મુખ્યમંત્રી હોય બધા જ મને પ્રેમથી બોલાવે છે, કાલે જ સાંસદ પરસોત્તમભાઈએ મને નાળિયેર ફોડવા આપ્યું હતું એ પ્રેમ છે.
રાજકારણમાં દુશ્મન તો હોય જ અને હું પ્રજા માટે દુશ્મન બનાવું પણ છું તેમ જણાવી અજય લોરિયાના પાટીદાર નવરાત્રીના મંડપ કોન્ટ્રાક્ટરને ફોન કરવાના આક્ષેપ મામલે એ બાબત મંડપ વાળો કહેશે હું નહીં તેવો જવાબ આપ્યો હતો. અંતમાં તેઓએ ઉમેર્યું હતું કે, મને પ્રજાએ 65 હજારની લીડથી જીતાવ્યો છે ત્યારે બીજાના પેટમાં કેમ તેલ રેડાય છે તે મને નથી ખબર કેટલાક લોકોને ખોટા કામ કરવા હોય તેને હું ન ગમું તે સ્વાભાવિક છે.