પ્રયાગરાજમાં પીએમ મોદીએ મહાકુંભ માટે કરી પૂજા, જુઓ તસવીરો
Maha Kumbh 2025: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજની મુલાકાત લીધી હતી અને સંગમ તટ પર પૂજા કરી હતી. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ મહાકુંભ 2025 માટે વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આમાં પ્રયાગરાજમાં માળખાગત સુવિધાને વેગ આપવા માટે 10 નવા રોડ ઓવર બ્રિજ અથવા ફ્લાયઓવર, કાયમી ઘાટ અને રિવરફ્રન્ટ રોડ જેવી વિવિધ રેલ અને રોડ પરિયોજનાઓનો સમાવેશ થાય છે.
પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું, હું ખાસ કરીને કર્મચારીઓ, કામદારો અને સફાઈ કામદારોને અભિનંદન આપું છું જેઓ મહાકુંભને સફળ બનાવવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે. આગામી વર્ષનો મહાકુંભ દેશની આધ્યાત્મિક, સાંસ્કૃતિક ઓળખને નવી ઊંચાઈઓ પર લઈ જશે. હું પૂરેપૂરો વિશ્વાસ સાથે કહું છું કે જો મારે આ મહાકુંભનું વર્ણન કરવું હોય તો હું કહીશ કે તે એકતાનો એવો મહાયજ્ઞ હશે જેની ચર્ચા આખી દુનિયામાં થશે. હું તમને બધાને આ કાર્યક્રમની ભવ્ય અને દિવ્ય સફળતાની શુભેચ્છા પાઠવું છું.
પીએમ મોદીએ કહ્યું, ભારત પવિત્ર સ્થળો અને યાત્રાધામોનો દેશ છે. અહીં ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી અને નર્મદા જેવી અસંખ્ય પવિત્ર નદીઓની ભૂમિ છે. આ નદીઓના પ્રવાહની શુદ્ધતા, આટલી બધી યાત્રાઓનું મહત્વ, તેમનો સંગમ, તેમના પ્રભાવનો મહિમા આ પ્રયાગ છે. અહીં ડગલેને પગલે પવિત્ર સ્થળો છે.
આ પણ વાંચો : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર,મહારાષ્ટ્ર તેની કરોડરજ્જુ બનશે: ફડણવીસ…
આ માત્ર ત્રણ પવિત્ર નદીઓનો સંગમ નથી. પ્રયાગ વિશે કહેવામાં આવે છે જ્યારે સૂર્ય મકરમાં પ્રવેશ કરે છે, ત્યારે બધી દિવ્ય શક્તિઓ, બધા તીર્થો, બધા ઋષિઓ પ્રયાગમાં આવે છે. આ તે સ્થાન છે જેનો ઉલ્લેખ વેદ, પુરાણ, ઋચામાં પણ કરવામાં આવ્યો છે.