સંસદ પરિસરમાં રાહુલ-પ્રિયંકાના ટીશર્ટે ખેંચ્યું સૌનું ધ્યાનઃ મોદી પર આ રીતે કર્યા પ્રહારો
નવી દિલ્હી: યુએસ પ્રોસિક્યુટર્સ દ્વારા ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સહીત અદાણી જૂથ સાથે જોડાયેલા ઘણા લોકો પર લાંચ અને છેતરપિંડીના આરોપ (US accusation on Adani) લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસ આ આરોપો મામલે સંસદના ચાલી રહેલા શિયાળુ સત્રમાં ચર્ચા કરવા ઈચ્છે છે, સરકાર ચર્ચા કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી રહી છે, જેને કારણે બંને ગૃહોમાં હોબાળો થઇ રહ્યો છે. એવામાં આજે કોંગ્રેસના સાંસદોએએ સંસદ પરિસરમાં અલગ રીતે જ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ સાંસદો “મોદી અદાણી એક હૈ” લખેલા ટી શર્ટસ અને જેકેટ્સ પહેરીને આવ્યા હતાં.
વિપક્ષના સાંસદો અદાણી જૂથ સામેના આરોપોની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી) દ્વારા તપાસ કરવાની માંગ કરી રહ્યા છે. આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી અન્ય સાંસદો સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતાં.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
રાહુલ ગાંધીએ વડા પ્રધાન અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વચ્ચેના સાંઠગાંઠનો આરોપ મુક્યો હતો. તેમણે કહ્યું કે, “મોદીજી અદાણીજીની તપાસ નહીં કરાવે જો તેઓ એવું કરશે, તો તેઓ પોતે જ પોતાની તપાસ કરાવશે એવું થશે… મોદી ઔર અદાણી એક હૈ. દો નહીં હૈં, એક હૈ.”
આ પક્ષો વિરોધમાં જોડાયા:
સંસદ પરિસરમાં થયેલા વિરોધમાં કોંગ્રેસ, AAP, RJD, શિવસેના (UBT), DMK અને ડાબેરી પક્ષોના સાંસદોએ ભાગ લીધો હતો, આ સાંસદો સંસદના મકર દ્વાર પાસે એકઠા થયા હતાં. પ્રદર્શન કરી રહેલા સાંસદોએ કથિત ભ્રષ્ટાચારની JPC તપાસની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે, ટીએમસીએ પ્રદર્શનમાં ભાગ લીધો ન હતો.
Also Read – ડ્રગ્સ મુદ્દે કેજરીવાલના સરકાર પર પ્રહાર; કહ્યું ગુજરાત બની ગયું “ડ્રગ્સનું હબ”…
વિપક્ષના સાંસદોએ ગઈ કાલે પણ પોસ્ટર્સ અને બેનર્સ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકસભા સચિવાલય દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી કે સાંસદોએ દરવાજાથી હિલચાલમાં અવરોધ પેદા ના કરવો જોઈએ. છતાં, આજે વિપક્ષના સાંસદોએ અદાણી કેસમાં તપાસ બાબતે પ્રદર્શન કર્યું હતુ.