બોલો, બોસે રજા ન આપી તો કર્મચારીએ વીડિયો કોલથી કર્યા નિકાહ….
હિમાચલ પ્રદેશમાં એક નિકાહ વીડિયો કોલ દ્વારા થયા છે. બન્યું એવું કે અદનાન મુહમ્મદ તુર્કિમાં રહે છે અને ત્યાંની એક કંપનીમાં કામ કરે છે. તેણે હિમાચલ પ્રદેશના મંડીની યુવતી સાથે લગ્ન કરવા માટે ઓફિસમાં રજા માંગી હતી. પરંતુ તેના બોસે તેને રજા આપવાથી ઇનકાર કર્યો હતો.
અદનાન નિકાહ પણ કરવા માંગતો હતો અને નોકરીને પણ છોડવા નહોતો માંગતો. આવી સ્થિતિમાં બંનેએ વીડિયો કોલ દ્વારા નિકાહ કરી લીધા. અદનાન મુહમ્મદના પરિવારના સભ્યોએ જણાવ્યું કે તે લોકો તુર્કિથી જોડાયા હતા અને યુવતી અને તેના પરિવારના લોકો મંડીથી જોડાયા હતા.
અદનાન મુહમ્મદ હિમાચલ પ્રદેશના બિલાસપુરનો રહેવાસી છે, જ્યારે તેની પત્ની મંડી જિલ્લાની છે. છોકરીના દાદા બીમાર છે અને તેઓ પણ ઈચ્છતા હતા કે નિકાહ ઝડપથી થઈ જાય. આવી સ્થિતિમાં છોકરાને રજા ન મળતા છોકરા અને છોકરી બંનેના પરિવારો વર્ચ્યુઅલ નિકાહ માટે સંમત થયા. આ નિકાહ સોમવારે થયા હતા.
આપણ વાંચો: અજબ નિકાહ કે ગજબ તલાક કી કહાની: Instagram પર લગ્ન અને What’sapp પર છુટાછેડા…
નવયુગલ વિડિયો કોલિંગથી જોડાયા હતા અને નિકાહની વિધિ કાઝી દ્વારા સંપન્ન કરવામાં આવી હતી. આ દરમિયાન બંનેએ ત્રણ વાર કુબૂલ હૈ-કુબૂલ હૈ કહ્યું અને આ સાથે જ નિકાહ પૂર્ણ થયા. યુવતીના કાકા અકરમ મોહમ્મદે કહ્યું કે આજે આપણી પાસે એડવાન્સ ટેક્નોલોજી છે અને તેના કારણે રજા મળ્યા વિના પણ નિકાહ સંપન્ન થઈ શક્યા છે.
“રજા મળતા જ દુલ્હનને મળીશ”
આ અગાઉ ગયા વર્ષે પણ હિમાચલમાં વર્ચ્યુઅલ લગ્ન થયા હતા. ત્યારબાદ શિમલાના કોટગઢના રહેવાસી આશિષ સિંધા અને કુલ્લુના ભુંતરમાં રહેતી શિવાની ઠાકુરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગ્ન કર્યા. જો કે, તે સમયે તેનું કારણ નોકરીની મજબૂરી કે રજા ન મળવાની મજબૂરી જેવું નહોતું.
તેનું કારણ એ હતું કે આ વિસ્તારમાં ભારે પૂર આવ્યું હતું અને ભૂસ્ખલન પણ થયું હતું. આ રીતે લગભગ એક વર્ષમાં હિમાચલ પ્રદેશમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બે લગ્ન થયા છે. મુહમ્મદ અદનાન કહે છે કે રજા મળતાં જ તે આવી જશે અને તેની દુલ્હનને મળશે.