અજબ નિકાહ કે ગજબ તલાક કી કહાની: Instagram પર લગ્ન અને What’sapp પર છુટાછેડા…
સરકારે ભલે તીન તલાકને લઈને ગમે એટલા કડક કાયદા બનાવી રહી હોય પણ તેમ છતાં તીન તલાકની ઘટનાઓ કંઈ રોકાવવાનું નામ નથી લઈ રહી છે. આજે અમે અહીં તમને આવા જ એક અજબ નિકાહ કે ગજબ તલાકની સ્ટોરી સંભળાવવા જઈ રહ્યા છે. આવો જોઈએ ક્યાંનો છે આખો મામલો…
ઘટના છે ઉત્તર પ્રદેશના આગ્રાની. અહીંની યુવતી સાથે નોએડામાં રહેતા એક યુવકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફ્રેન્ડશિપ કરી અને આ ફ્રેન્ડશિપ ક્યારે પ્રેમમાં પરિણમી એની બંનેને જાણ પણ ના થઈ. ત્યાર બંને જણે નિકાહ કરી લીધા પરંતુ 18 મહિના બાદ જ્યારે પ્રેમનો પાવર ઉતર્યો ત્યારે યુવકે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર ત્રણ વખત તલાક તલાક તલાક લખીને આખરે છૂટાછેડા પણ લઈ લીધા હતા.
યુવતીએ તીન તલાક વિરોધી કાયદા હેઠળ પોલીસમાં યુવક સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે છે તેને આઠ મહિનાની દીકરી છે અને છ મહિના પતિ સાથે ઝઘડો થતાં તે પિયર આવી ગઈ હતી અને ત્યારથી તે પિયરમાં જ રહે છે. યુવતીની ફરિયાદ બાદ આ આખો કેસ ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અને વારંવાર સમન મોકલવામાં આવ્યો હોવા છતાં યુવતીનો પતિ તારીખ પર હાજર થયો નથી.
મળી રહેલી માહિતી પ્રમાણે અઢી વર્ષ પહેલાં પીડિતા ઈન્સ્ટાગ્રામ પર યુવકના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે મિત્રતા થઈ હતી. બાદમાં આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી અને વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી. યુવતીના પરિવારના લોકો આ લગ્ન માટે રાજી નહોતા પણ યુવતીની જીદ સામે આખરે તેઓ ઝૂકી ગયા હતા અને રાજી થયા હતા.
પીડિતાએ જણાવ્યું હતું કે લગ્ન પહેલાં આરોપીએ પોતાને મોડેલ હોવાનું જણાવ્યું હતું અને લગ્ન બાદ ખબર પડી કે તે કોઈ ફોટોગ્રાફરની દુકાન પર કામ કરે છે. આટલું જાણ્યા બાદ પણ યુવતી યુવક સાથે રહી હતી અને તેણે એક દીકરીને જન્મ પણ આપ્યો હતો. દીકરીના જન્મ બાદ જ પીડિતાને તેનો પતિ પરેશાન કર્યો લાગ્યો હતો અને તે કંટાળીને છ મહિના પહેલાં પિયર પાછી આવી ગઈ હતી. પણ હવે આરોપીએ વોટ્સએપ પર મેસેજ મોકલાવીને પીડિતાને છુટાછેડા આપી દીધા હતા અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.