એટલે યુવક મોબાઈલના ટાવર પર ચઢી ગયો અને કહ્યું ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરને બોલાવો…

લખનઊઃ આજકાલ મારપીટ અને હિંસાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, જેમાં ઉત્તર પ્રદેશમાં પણ એન્કાઉન્ટર અને બુલડોઝર ચલાવવાને કારણે પોલીસ અને વહીવટી પ્રશાસન ચર્ચામાં રહે છે ત્યારે તાજેતરમાં લખનઊમાં ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. અધિકારીઓ દ્વારા યુવકની મારપીટ કરવાને કારણે મોબાઈલ ટાવર પર ચઢી ગયો અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરને બોલાવવાની માગણી કરી હતી. જાણીએ સમગ્ર કિસ્સો.
ઉત્તર પ્રદેશના લખનઊમાં સમાજવાદી પાર્ટી (સપા)ના કાર્યાલય પાસે એક યુવક મોબાઈલ ટાવર પર ચઢી ગયો હતો. આ પછી ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ રાજુ સૈની નામનો યુવક મોબાઈલના ટાવર પર ચઢ્યો હતો, જેને શાંત કર્યા બાદ નીચે લાવવામાં આવ્યો હતો.
ટાવરની નીચે રાજુની પત્ની અને પુત્ર પણ હાજર હતા. આ બનાવ અંગે જણાવવામાં આવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓ દ્વારા મારપીટને કારણે તે (રાજુ) ટાવર પર ચઢી ગયો હોવાનું જણાવ્યું હતું.
રાજુની પત્નીનો આરોપ છે કે ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓ તેના પતિને વારંવાર મારતા રહ્યા હતા. રાજુની પત્નીએ પણ એમડી ટ્રાન્સપોર્ટ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરને ઘટનાસ્થળે બોલાવવાની માંગ કરી હતી. રાજુ અલીગઢ અતરૌલીમાં કામ કરે છે. તેણે આક્ષેપ કર્યો હતો કે તેની પાસે જર્જરિત બસ ચલાવવા દબાણ કરાય છે.
રાજુએ એક પત્ર પણ લખ્યો છે. આ પત્રમાં રાજુએ ટ્રાન્સપોર્ટ વિભાગ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. રાજુએ લખ્યું છે કે મને મારવામાં આવે છે અને મારી પાસેથી બળજબરીથી વસૂલી કરવામાં આવે છે. બળજબરીથી દોષિત ઠરાવવામાં આવે છે. આ પત્ર પણ વાઈરલ થયો છે. રાજુનો પુત્ર પણ સ્થળ પર હાજર હતો અને પોલીસ પણ પહોંચી ગઈ હતી. પોલીસે રાજુના પુત્રને કહ્યું કે ફોન કરીને પિતાને નીચે બોલાવે, ત્યારપછી આખરે તે નીચે આવ્યો હતો.