પ્રોપર્ટી ટેક્સમાં વધારો નથી કર્યો તો આવક કયાંથી લાવવી? ડિફોલ્ટર મોબાઈલ ટાવરધારકો હવે પાલિકાના રડાર પર છે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રોપર્ટી ટેક્સ મુંબઈ મહાનગરપાલિકાની આવકનો મહત્ત્વનો સ્રોત ગણાય છે. પરંતુ આ વર્ષે પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો કરવામાં આવવાનો નથી. તેથી પાલિકાને જયાંથી ટેક્સના રૂપમાં આવક અપેક્ષિત છે તેવા વિકલ્પો પર નજર માંડી છે, જેમાં વર્ષોથી પ્રોપર્ટી ટેક્સ ભરવાથી દૂર ભાગનારા ડિફોલ્ટરો પાછળ હાથ ધોઈને પડયા બાદ હવે પાલિકાએ પ્રોપર્ટી ટેક્સ ભરવાથી દૂર ભાગનારી મોબાઈલ ટાવર કંપનીઓને પોતાના રડારમાં લીધા છે.
પાલિકા વોટર ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, સ્યુએજ ટેક્સ, ડેવલપમેન્ટ ચાર્જીસ જેવા જુદા માધ્યમથી આવક ઊભી કરી છે, જેમાં આવકનો મહત્ત્વનો ભાગ પ્રોપર્ટી ટેક્સ ભજવે છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચાલુ નાણાકીય વર્ષમાં પણ પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવામાં આવવાનો નથી, તેથી પાલિકા ડિફોલ્ટરોની પાછળ તો પડી છે પણ હવે મોબાઈલ કંપનીઓેને પણ પાલિકા છોડવાની નથી.
મુંબઈમાં મોબાઈલ ગ્રાહકોને સારું નેટવર્ક ઉપલબ્ધ કરી આપવા માટે ઠેર ઠેર મોબાઈલ ટાવરો ઊભાં કરી દેવામાં આવ્યાં છે, જેમાં હાઉસિંગ સોસાયટીથી, ઝૂંપડપટ્ટી સહિત ખાનગી જગ્યા પર મોબાઈલ ટાવર ઊભા કરવામાં આવ્યા છે. આ મોબાઈલ ટાવર માટે પાલિકા દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવામાં આવે છે. પરંતુ છેલ્લા અનેક વર્ષોથી મોબાઈલ ટાવર બેસાડનારી કંપનીઓએ પ્રોપર્ટી ટેક્સ ભર્યો ન હોવાનું પાલિકાના અસેસમેન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું, તેને કારણે પાલિકાએ કરોડો રૂપિયાનો ટેક્સ ગુમાવ્યો છે.
પાલિકાના અસેસમેન્ટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ વધુમાં વધુ પ્રોપર્ટી ટેક્સ જમા કરવા પર ધ્યાન આપવાની સાથે જ મુંબઈના તમામ મોબાઈલ ટાવરોની માહિતી ભેગી કરવા માટેનો નિર્દેશ આપ્યો છે. આ તમામ ટાવરો પર અત્યાર સુધી લાદવામાં આવેલો ટેક્સ અને અત્યાર સુધી વસૂલ કરવામાં આવેલી ટેક્સની રકમની માહિતી પણ ભેગી કરવામાં આવવાની છે. પાલિકાના દરેક વોર્ડમાં કેટલા મોબાઈલ ટાવર છે તેની માહિતી ભેગી કરવામાં આવવાની છે. કેટલા ટાવર પાલિકાની મંજૂરી લઈને બેસાડવામાં આવ્યા છે, તેની માહિતી પણ ભેગી કરવામાં આવવાની છે. અમુક જગ્યાએ હાઉસિંગ સોસાયટીની માલિકીની જગ્યા ઉપર બેસાડવામાં આવેલા મોબાઈલ ટાવરના પ્રોપર્ટી ટેક્સ ભરવાની જવાબદારીથી મોબાઈલ કંપની અને હાઉસિંગ સોસાયટી દૂર ભાગી રહી છે, તેની જવાબદારી પણ નિશ્ચિત કરવામાં આવવાની છે અને ત્યારબાદ સંબંધિતોને પ્રોપર્ટી ટેક્સના બિલ મોકલવામાં આવવાના છે.