સ્પેનમાં યુરોપનું ભયાનક પૂરઃ 95 લોકોનાં મોત, જનજીવનને અસર
બેરિઓ ડે લા ટોરેઃ સ્પેનમાં અચાનક આવેલા સદીના સૌથી ભયાનક પૂરમાં ઓછામાં ઓછા ૯૫ લોકોના મોત થયા છે. હજુ પણ શોધખોળ અભિયાન ચાલું હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. કારણ કે ઘણા લોકો હજુ પણ ગુમ છે. અચાનક આવેલી કુદરતી આફતને યુરોપની સૌથી વિનાશક કુદરતી આફત માનવામાં આવે છે.
સૌથી અસરગ્રસ્ત વેલેન્સિયા વિસ્તારમાં ક્ષતિગ્રસ્ત વાહનો, ઝાડની ડાળીઓ, ધરાશાયી થયેલી વીજળીની લાઇનો અને ઘરનો સામાન કાદવમાં દટાયેલો જોવા મળ્યો હતો. અહીં મંગળવારની મોડી રાત અને બુધવારે સવાર દરમિયાન ૯૨ લોકો મૃત્યુ પામ્યા હતા.
પ્રચંડ વેગવાળા પાણીએ સાંકડી શેરીઓને મોતની જાળમાં ફેરવી દીધી હતી. નદીઓનું પાણી ઘરોના નીચેના માળમાં ઘૂસી ગયું હતું. પાણી કાર, લોકો અને તેના રસ્તામાં આવનાર તમામ વસ્તુને વહાવી ગયું હતું.
આપણ વાંચો: અચાનક આવ્યું પૂર, એક એક કરીને તણાયો પૂરો પરિવાર, લોનાવાલાનો ભયાનક વીડિયો
સ્પેનના ઇમરજન્સી બચાવ એકમોના એક હજારથી વધુ સૈનિકો મૃતદેહો અને બચી ગયેલા લોકોની શોધમાં પ્રાદેશિક અને સ્થાનિક ઇમરજન્સી કર્મચારીઓની સાથે જોડાયા હતા. રક્ષા પ્રધાને કહ્યું કે એકલા સૈનિકોએ બુધવાર રાત સુધીમાં ૨૨ મૃતદેહ બહાર કાઢ્યા અને ૧૧૦ લોકોને બચાવ્યા હતા.
હજારો લોકો પાણી અને વીજળી વગર હાલાકી ભોગવી રહ્યા હતા અને સેંકડો લોકો તેમની કારોને નુકસાન થતા અથવા રસ્તાઓ બ્લોક થતા ફસાયા હતા. આ પ્રદેશ આંશિક રીતે વિખૂટો પડી ગયો હતો.
ઘણા રસ્તાઓ સાથે સંપર્ક કપાઇ ગયો હતો અનુ ટ્રેન લાઇનો ખોરવાઇ હતી. સ્થાનિક અધિકારીએ કહ્યું હતું કે જ્યારે વરસાદ આવ્યો ત્યારે અચાનક એક મોટી લહેર જાણે સુનામી આવ્યું હોય એવો હજારો લોકોએ અનુભવ કર્યો હતો.
અમુક વિસ્તારોમાં ગણતરીની મિનિટમાં એકથી દોઢ મીટર જેટલું પાણી ભરાઈ ગયું હતું, જેથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા, જેમાં અનેક લોકો ગુમ થયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.