40 વર્ષની ફિલ્મી કારકિર્દીને વાગોળતા અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર કરી મોટી વાત…

મુંબઈઃ પીઢ ફિલ્મ અભિનેતા અનુપમ ખેર તેમની આગામી ફિલ્મ ‘વિજય ૬૯’ની રિલીઝને લઈને ઉત્સાહી છે. અનુપમ ખેરે તાજેતરમાં તેની ૪૦ વર્ષની સિનેમેટિક સફરને યાદ કરી. એટલું જ નહીં, તેમણે પોતાના ચાહકો માટે મહત્ત્વની વાત વાત લખતા લખ્યું કે સપના જોવા જોઈએ.
અનુપમ ખેરે આજે ઇન્સ્ટાગ્રામ પર સિનેમા જગતના ચાર દાયકાની સફર મુદ્દે એક લાંબી નોંધ લખી હતી. આ નોંધમાં શરુઆતના દિવસો સ્ટ્રગલનો પણ ઉલ્લેખ હતો.
ફિલ્મી કારકિર્દીની શરૂઆત દરમિયાન તેણે જે મુશ્કેલ સમયનો સામનો કરવો પડ્યો તેને યાદ કરતાં તેમણે લખ્યું હતું કે ૧૯૮૪ મારા માટે એક ખરાબ વર્ષ રહ્યું હતું. દરેક દિવસ નિરાશાજનક હતો અને તે સમયે મારા ધૈર્યની કસોટી થતી હતી.
અનુપમે ખેરે આગળ લખ્યું હતું કે હું મારી પોતાની શરતો પર કામ મેળવીને પોતાનું નામ બનાવવા માંગતો હતો. ફિલ્મી દુનિયામાં મારું કોઈની સાથે કનેક્શન પણ નહોતું.
આપણ વાંચો: અનુપમ ખેરની તસવીરવાળી ચલણી નોટ છાપનારાને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા
મારી પાસે ફક્ત મારી ઇચ્છાશક્તિ અને મારા સપનાઓને પૂરા કરવાનો દૃઢ નિશ્ચય હતો. અનુપમ ખેરના જણાવ્યાનુસાર પોતે હીરો જેવો લુક ધરાવતા નહોતા, પરંતુ તે ઇચ્છતા હતા કે લોકો તેમનું જુસ્સાદાર પાત્ર સ્ક્રીન પર જુએ. સિનેમાની દુનિયામાં પ્રવેશતા પહેલા અનુપમે અભિનયનો ચાર વર્ષનો કોર્સ કર્યો હતો અને ડ્રામા સ્કૂલમાંથી ગોલ્ડ મેડલિસ્ટ હતા.
તેણે આગળ કહ્યું, હું એ હકીકતને નકારી શકું નહીં કે હું એક નાના શહેરનો છોકરો છું. નિમ્ન-મધ્યમ-વર્ગીય પરિવારમાંથી આવતાં, હું પડકારજનક અનુભવોમાંથી પસાર થયો છું. હું એક તક મેળવવા માંગતો હતો જેથી હું દુનિયાને કહી શકું કે હું કોણ છું અને હું સ્ક્રીન પર શું કરી શકું છું. પરંતુ લોકોને લાગ્યું કે હું ઘમંડી છું.
પણ હું જાણતો હતો કે મારી અંદરનો ગુસ્સો ચુપચાપ બધાને કહેવાની રાહ જોઈ રહ્યો હતો કે તેઓ ખોટા હતા, અને આ માટે હું મહેશ ભટ્ટનો આભાર માનું છું. ભટ્ટે મને ‘સારંશ’ ફિલ્મ આપી અને મારા પર વિશ્વાસ મુક્યો. તેમણે મને એક 65 વર્ષીય વ્યક્તિની ભૂમિકા સોંપી જે તેના યુવાન પુત્રના મૃત્યુથી આઘાતમાં હતો.
૨૦૨૪માં અનુપમ ફરી ૬૯ વર્ષના વ્યક્તિની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે. આ પોસ્ટમાં જ આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તે વાયઆરકે દ્વારા નિર્મિત તેની આગામી ફિલ્મ ‘વિજય ૬૯’માં ૬૯ વર્ષીય વ્યક્તિ વિજય મેથ્યુની ભૂમિકા ભજવતા જોવા મળશે, જે ગુસ્સાવાળા સ્વભાવના છે અને ટ્રાયથ્લોન એથ્લીટ બનવા માંગે છે. તમને જણાવી દઈએ કે ‘વિજય ૬૯’ નેટફ્લિક્સ પર આઠમી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.