નવી દિલ્હી: થોડા વર્ષોથી મૉડલિંગ ઇન્ડસ્ટ્રીમાં ભારતની મહિલા ખેલાડીઓ ચમકી રહી છે. મોટી કંપનીઓની જાણીતી બ્રૅન્ડ્સમાં તેઓ જોવા મળી રહી છે એટલે પ્રોફેશનલ મૉડલની કમાણીને અને લોકપ્રિયતાને વિપરીત અસર થઈ છે. એમાં વળી હવે તો મહિલા પ્લેયર્સનો ફૅશન શોમાં પણ પગપેસારો થયો છે. સાનિયા મિર્ઝા, સાઇના નેહવાલ અને પીવી સિંધુ પછી હવે ટૉક ઑફ ધ ટાઉન નિશાનબાજ મનુ ભાકરે રૅમ્પ પર કૅટવૉક કર્યું. મનુએ ગુરુવારે દિલ્હીના એક શોમાં રૅમ્પ પર પ્રોફેશનલ મૉડલની અદાથી કૅટવૉક કરીને સૌને ચોંકાવી દીધા હતા.
આ પણ વાંચો : Manu Bhakar સાથે ફોટો પડાવીને મુશ્કેલીમાં ફસાયો આ Handsome Bollywood Actor…
મનુ ભાકર જુલાઈમાં પૅરિસ ઑલિમ્પિક્સમાં શૂટિંગમાં બે બ્રૉન્ઝ મેડલ જીતી હતી. તે ત્રીજો બ્રૉન્ઝ જરાક માટે ચૂકી ગઈ હતી. તે શુક્રવારે દિલ્હીમાં અલગ અવતારમાં જોવા મળી હતી.
બાવીસ વર્ષની મનુ ભાકર લેક્મે ફૅશન વીકમાં મૉડલ બનીને ઊતરી હતી. તેણે લેધર મોનોક્રોમનો ડ્રેસ પહેર્યો હતો. તેણે લીલા રંગનું શ્રગ ખભા પર રાખ્યું હતું અને તેને આ આઉટફિટ ખૂબ જ કમ્ફર્ટેબલ લાગ્યું હતું.
મનુએ સૌકોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. તેણે સ્ટાઇલમાં એન્ટ્રી કરી હતી, ખાસ અદાથી ઝડપથી ચાલી હતી અને એ દરમ્યાન તેણે જરાક અટકીને નિશાનબાજીની પોતાની સૌથી પ્રિય રમતને રૅમ્પ પર રજૂ કરી હતી. બીજી રીતે કહીએ તો તેણે ‘ફાયરિંગ પોઝ’ આપ્યો હતો અને પ્રેક્ષકો તરફ થોડું સ્માઇલ આપીને ફરી આગળ વધી હતી અને પોતાનો રાઉન્ડ પૂરો કર્યો હતો.
આ પણ વાંચો : મનુ ભાકર પર પૈસાનો વરસાદ શરૂ થઈ ગયો, જુઓ પહેલો ચેક કેટલાનો મળ્યો?
મનુએ પછીથી કહ્યું, ‘આ ડ્રેસ તેની પર્સનાલિટીને એકદમ અનુરૂપ છે અને ખૂબ આરામદાયક પણ છે.’
મનુ ભાકર માટે આ અનુભવ અદભુત હતો. તેણે કહ્યું, ‘હું કૅટવૉક દરમ્યાન થોડી ગભરાયેલી હતી, પણ પોતાને લાઇવ પણ મહેસૂસ કરી રહી હતી. મેં આ બધુ ટીવી પર જોયું હતું. હવે ખુદ મેં કૅટવૉક કર્યું એટલે મને બહુ સારું લાગી રહ્યું છે.’