મનુ ભાકર પર પૈસાનો વરસાદ શરૂ થઈ ગયો, જુઓ પહેલો ચેક કેટલાનો મળ્યો?
નવી દિલ્હી: પૅરિસ ઑલિમ્પિક્સમાં મેડલના દુકાળ વચ્ચે શૂટર મનુ ભાકરે બે બ્રૉન્ઝ મેડલ જીતીને દેશની આબરૂ સાચવી લીધી અને હવે તે સ્વદેશ આવી છે એટલે તેના પર પૈસાનો વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. સ્પોર્ટ્સ મિનિસ્ટર ડૉ. મનસુખ માંડવિયાએ મનુ ભાકરને પ્રાઇઝ મનીનો 30 લાખ રૂપિયાનો ઇનામનો ચેક આપીને તેનું બહુમાન કર્યું છે.
ઑલિમ્પિક ગેમ્સ 11મી ઑગસ્ટે પૂરી થશે અને એની ક્લોઝિંગ સેરેમનીમાં મનુ ભાકરને ભારતીય ઍથ્લીટો-ખેલાડીઓના સંઘની આગેવાની સંભાળવાનું ખેલકૂદ મંત્રાલયે કહ્યું હોવાથી મનુ પાછી પૅરિસ જશે.
મનુ ભાકરે સરકાર તરફથી મળેલી ઇનામી રકમના ચેકની માહિતી સોશિયલ મીડિયામાં શૅર કર્યો છે. ખેલકૂદ પ્રધાન ડૉ. માંડવિયાએ પણ મીડિયામાં આ સંબંધમાં પોસ્ટ શૅર કરી છે.
ડૉ. માંડવિયાએ મનુ ભાકરને આપેલા ઇનામી રકમના ચેક વિશેની જાણકારી આપતા લખ્યું છે, ‘પૅરિસ ઑલિમ્પિક્સમાં બે બ્રૉન્ઝ મેડલ જીતીને સ્વદેશ પાછી આવેલી દેશની દીકરી મનુ ભાકરને આજે મળીને અમે ઐતિહાસિક જીત બદલ અભિનંદન આપ્યા છે અને ભવિષ્ય માટે શુભકામના પણ આપી છે.’
મનુ ભાકરે 10 મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટમાં વ્યક્તિગત હરીફાઈમાં અને મિક્સ્ડ-ટીમ હરીફાઈમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો છે. તેણે મિક્સ્ડ-ટીમમાં આ મેડલ હરિયાણાના જ સરબજોત સિંહ સાથેની જોડીમાં જીતી લીધો હતો. ભારતને ત્રીજો બ્રૉન્ઝ મેડલ કોલ્હાપુરના સ્વપ્નિલ કુસાળેએ અપાવ્યો છે.