શું ભારતીય પાયલટને પરફ્યુમ લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે? જાણો શું છે કારણ
ઘણા લોકો દરરોજ પરફ્યુમ અને ડીઓડરન્ટનો ઉપયોગ કરે છે. તેનાથી શરીરની દુર્ગંધ તો દૂર થાય છે અને સાથે સાથે મૂડ પણ ફ્રેશ રહે છે. પરફ્યુમની સુગંધથી આપણો આત્મવિશ્વાસ પણ વધે છે. પરફ્યુમ અથવા ડીઓડરન્ટ સીધા ત્વચા પર લગાવવાથી ક્યારેક આડઅસર થઈ શકે છે. તેથી તેને કપડાં પર લગાવવા હિતાવહ છે. ડીઓડરન્ટના ફાયદા હોવા છતાં, પરફ્યુમ અને ડીઓડોરન્ટ્સને એરોપ્લેનમાં લઈ જવા પર પ્રતિબંધ છે. વિશ્વભરની એરલાઇન્સ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના નિયમોનું પાલન કરે છે, જે કેબિનમાં પરફ્યુમ અથવા ડિઓડરન્ટ લાવવા પર પ્રતિબંધ મૂકે છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) પણ હવે ટૂંક સમયમાં પાઇલોટ્સ પર પરફ્યુમ લગાવવા પર પ્રતિબંધ મૂકી શકે છે. કારણ કે પરફ્યુમમાં આલ્કોહોલિક પદાર્થો હોય છે, જેને કારણે પાયલટની આલ્કોહોલ ટેસ્ટ પોઝિટિવ આવી શકે છે. DGCAએ સલામતી નિયમોના સંદર્ભમાં ઉડ્ડયન નિયમો, 1937 ની જોગવાઈઓ હેઠળ જારી કરાયેલા નાગરિક ઉડ્ડયન નિયમો (CARs) માં સુધારો કરવા માટે સૂચનો આમંત્રિત કર્યા છે.
એરલાઇનના નિયમો અનુસાર કોઈપણ પાઈલટ/સદસ્ય કોઈપણ દવા/ફોર્મ્યુલેશન અથવા માઉથવોશ/ટૂથ જેલ/પરફ્યુમ અથવા આલ્કોહોલિક પદાર્થો ધરાવતી કોઈપણ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે તે સકારાત્મક આલ્કોહોલ પરીક્ષણમાં પરિણમી શકે છે. આવી દવા લેતા કોઈપણ સભ્યએ ફ્લાઈંગ અસાઇનમેન્ટ લેતા પહેલા કંપનીના ફિઝિશિયનની સલાહ લેવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે.
ઘણી એરલાઇન વેબસાઇટ્સ સ્પષ્ટપણે જણાવે છે કે પાઇલોટ/સભ્યો/યાત્રીઓ તેમના સામાન અથવા ચેક-ઇન સામાનમાં પણ પરફ્યુમ લઇ જઇ શકતા નથી. પ્લેનમાં પરફ્યુમ કે ડીઓડરન્ટ ન લઇ જવાના ઘણા કારણો છે. પરફ્યુમ, ડીઓડોરન્ટ્સમાં આલ્કોહોલ હોય છે, જે જ્વલનશીલ હોય છે. જો આગ લાગે તો તેને ઓલવવાનું વધુ મુશ્કેલ બને છે.
DGCA હવે પ્લેનના સલામતી ધોરણોનું પાલન કરવા માટે સફાળી જાગી છે, પણ એકંદરે આ બાબત આવકાર્ય છે.