ચેન્નાઇઃ તમિલનાડુના નીલગિરી જિલ્લામાં કુન્નુર પાસે એક પ્રવાસી બસ ખીણમાં પડતાં આઠ લોકોનાં મોત થયાં હતાં. પોલીસના જણાવ્યા અનુસાર, બે ડ્રાઈવર સહિત 59 મુસાફરોને લઈને એક પ્રવાસી બસ શુક્રવારે સાંજે કુન્નૂરથી તેનકસી જઈ રહી હતી ત્યારે ખીણમાં પડી ગઈ હતી. પ્રવાસીઓ ઊટીમાં ફરવા માટે આવ્યા હતા અને ઘરે પરત ફરી રહ્યા હતા.
હેરપિન બેન્ડ રોડ પર ટર્ન લેતી વખતે બસ અચાનક ખીણમાં ખાબકી હતી, જેને પરિણામે આ દુર્ઘટના સર્જાઇ હતી. અકસ્માતના સમાચાર સાંભળીને સ્થાનિક અધિકારીઓ અને બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અનેક મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા અને હૉસ્પિટલમાં સારવારાર્થે દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી આઠને હોસ્પિટલ સત્તાવાળાઓએ મૃત જાહેર કર્યા હતા. અન્ય ઘણા મુસાફરોની હાલત ગંભીર છે, જે જોતા મૃત્યુ આંક વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ મૃતકોમાં ચાર મહિલાઓ અને એક સગીરનો સમાવેશ થાય છે. પીડિતો તેનકાસી જિલ્લાના કદાયમના રહેવાસી હતા અને જ્યારે આ ઘટના બની ત્યારે ઘરે પરત ફરી રહ્યા હતા. ડ્રાઇવરે બસ પર કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો કે અન્ય કોઇ કારણસર આ અક્સ્માત થયો હતો તેની તપાસ ચાલુ છે. અકસ્માતના સમાચાર સાંભળીને સ્થાનિક અધિકારીઓ અને બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ કે સ્ટાલિને આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને તેમના પરિવારજનો માટે 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
Taboola Feed