નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ બુધવારે એક મોટી કાર્યવાહીની જાણકારી આપી છે. ઈડીએ કહ્યું છે કે દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે)ના લોકસભા સાંસદ એસ જગતરક્ષકન અને તેમના પરિવારના સભ્યો પર રૂ. 908 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે 89.19 કરોડ રૂપિયાની પ્રોપર્ટી પણ એટેચ કરવામાં આવી છે. આવો જાણીએ આટલા ભારે દંડ પાછળનું કારણ શું છે.
વિદેશી હૂંડિયામણના નિયમોના ઉલ્લંઘન સાથે સંબંધિત કેસમાં ઈડીએ ડીએમકેના સાંસદ જગતરક્ષકન અને તેમના પરિવારના સભ્યોને રૂ. 908 કરોડનો દંડ ફટકાર્યો છે. ઈડીએ તેના નિવેદનમાં જણાવ્યું છે કે 26 ઓગસ્ટે જારી કરાયેલા આદેશ બાદ સપ્ટેમ્બર 2020માં ફેમા કાયદા હેઠળ સીઝ કરાયેલી 89.19 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
કોણ છે એસ. જગતરક્ષકન?
આ પણ વાંચો: ‘ગેરકાયદે’ ફોરેક્સ ટ્રેડિંગ ઍપ કેસમાં ઈડીએ કરી ટીવી કલાકારોની પૂછપરછ
76 વર્ષીય ડીએમકેના નેતા એસ. જગતરક્ષકન તમિલનાડુની અરક્કોનમ લોકસભા બેઠક પરથી સાંસદ છે. તેઓ તમિલનાડુના જાણીતા બિઝનેસમેન પણ છે. ઇડીએ માહિતી આપી છે કે સાંસદ એસ. જગતરક્ષકન, તેમના પરિવાર અને સંબંધિત ભારતીય સંસ્થાઓ સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ અને ફેમા હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે.
તપાસ બાદ સાંસદ જગતરક્ષકન અને તેમના પરિવારના સભ્યોના નામે ફેમાની કલમ 37-એ હેઠળ 11 સપ્ટેમ્બર, 2020ના રોજ સીઝનો આદેશ પસાર કરવામાં આવ્યો હતો. તેમની કિંમત 89.19 કરોડ રૂપિયા છે. આ પ્રોપર્ટી હવે એટેચ કરવામાં આવી છે અને હવે સાંસદ પર 908 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.