…તો ‘લાડકી બહેનો’ને મળશે 1,500ના બદલે 4,000 રૂપિયા
લાડકી બહેનોથી વિપક્ષો ભયભીત: એકનાથ શિંદે
મુંબઈ: મહારાષ્ટ્રનું બજેટ રજૂ કરાયું ત્યારથી જ વિપક્ષો દ્વારા મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજનાની ટીકા કરવામાં આવી રહી છે અને ફક્ત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મત મેળવવા માટે આ યોજના બહાર પાડવામાં આવી હોવાનો આરોપ સરકાર પર મૂકવામાં આવી રહ્યો છે. જોકે, ખરેખર તો વપિક્ષો આ યોજનાના કારણે ભયભીત છે અને મૂંઝવણમાં મુકાયેલા હોવાનું મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું.
યોજનાની ટીકા કરતા વિપક્ષોને જવાબ આપતા શિંદેએ જણાવ્યું હતું કે આ યોજના મત મેળવવા માટે નહીં, પરંતુ મહિલાઓ જે સન્માનનો અધિકાર ધરાવે છે તે સન્માન તેમને મળે એ માટે લાવવામાં આવી છે. આ યોજનાના કારણે વિપક્ષ મૂંઝવણમાં મુકાઇ ગયો છે.
આ પણ વાંચો: અમને શક્તિ આપો અને લાડકી બહેનમાં મળતી સહાયમાં વૃધ્ધિ જુઓ: એકનાથ શિંદે
રકમ વધીને 4,000 થશે!
ભવિષ્યમાં મહિલાઓને અપાતી માસિક 1,500 રૂપિયાની રકમમાં વધારો કરી 3,000 કરવાની યોજના હોવાનું શિંદે પહેલા જ કહી ચૂક્યા છે. જોકે, યવતમાળમાં કાર્યક્રમ દરમિયાન આ રકમ વધારીને 4,000 રૂપિયા પ્રતિ મહિના કરવામાં આવી શકે. આ માટે મહાયુતિને વધુ બળ આપવાની અપીલ શિંદેએ કાર્યક્રમમાં હાજર મહિલાઓને કરી હતી.
આ ઉપરાંત શિંદેએ બદલાપુરની ઘટનાને લઇને રમાતા રાજકારણ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે મહારાષ્ટ્ર બંધનું એલાન વિપક્ષોએ ફક્ત રાજકારણ રમવા માટે કર્યું હતું.
…તો ફક્ત 400 રૂપિયા મહિલાઓને મળત: શિંદે
કાર્યક્રમ દરમિયાન યોજનાની ટીકા કરનારી કૉંગ્રેસને વળતો જવાબ આપતા શિંદેએ કૉંગ્રેસને તેના ભ્રષ્ટ શાસનની યાદ અપાવી હતી. કૉંગ્રેસની ટીકા કરતા શિંદેએ જણાવ્યું હતું કે જો કૉંગ્રેસ સત્તામાં હોત તો અંધાધૂંધ ભ્રષ્ટાચારના કારણે મહિલાઓને લાડકી બહેન યોજના અંતર્ગત મળેલા 3,000 રૂપિયાને બદલે ફક્ત 400 રૂપિયાની રકમ મળી હોત .