‘શિંદે અને ફડણવીસને હિમાલય મોકલાવો’ ઠાકરે જૂથના આ નેતાએ કરી માગ
મુંબઈ: બદલાપુરમાં બાળકીઓ પર થયેલા અત્યાચારના મામલે બુધવારે પણ રાજકારણ ગરમાયેલું રહ્યું હતું અને એકબીજા પર આરોપો પ્રત્યારોપોનો સિલસિલો શરૂ હતો. ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના મહિલા નેતા સુષ્મા અંધેરેએ આ મામલે મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી હતી અને સરકારના બેવડા વલણ સામે સવાલ કર્યો હતો.
અંધારેએ મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનની ટીકા કરતા કહ્યું હતું કે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસને આ મામલાને સંભાળતા નથી આવડતું, તેથી તેમને હિમાલય મોકલાવી દો. ગિરીશ મહાજનને મુખ્ય પ્રધાન બનાવો. ગિરીશ મહાજન એટલા બુદ્ધીમાન અને ગુણવાન હોય તો તેમને મુખ્ય પ્રધાન બનાવો.
આ પણ વાંચો : ભાજપને આંચકો આપવાની તૈયારીમાં ઓમ પ્રકાશ રાજભર, Maharashtra સહિત અનેક રાજ્યોમાં કરશે એન્ટ્રી
મહિલા વિરુદ્ધ થતા અત્યાચારના વિષયમાં શ્ર્વેતપત્ર બહાર પાડવાની માગણી કરતા અંધારેએ જણાવ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ છેલ્લાં દસ વર્ષમાં સાડા સાત વર્ષ ગૃહ પ્રધાન રહી ચૂક્યા છે. તેમણે મહિલાઓ વિરુદ્ધ થતા અત્યાચાર બાબતે શ્ર્વેતપત્ર બહાર પાડવું જોઇએ. જે વાલીઓએ ન્યાયની માગણી કરી તેમના પર લાકડીઓ વરસાવાઇ જ્યારે વામન મ્હાત્રે જેવા બેફામ નિવેદના આપનારાઓને છોડી દેવામાં આવે છે અને તેઓ અપેક્ષા રાખે છે કે લોકો શાંત બેસે.
ભાજપના નિતેશ રાણે પર નિશાન સાધતા સુષ્મા અંધારેએ જણાવ્યું હતું કે આરોપી અક્ષય શિંદે છે, પરંતુ જો તેના સ્થાને અકબર શેખ કે ખાન હોત તો નિતેશ રાણેએ ભારે ઉહાપોહ મચાવ્યો હોત. તેમનું લુચ્ચાપણું જુઓ કે ધર્મ જોઇને વિરોધ વ્યક્ત કરવામાં આવે છે.