‘મહિલા સુરક્ષા માટે સરકાર ઉદાસીન, ફડણવીસ રાજીનામું આપે’: સુપ્રિયા સુળેની માગણી
મુંબઈ: બારામતીના સાંસદ તેમ જ શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળેએ બદલાપુરમાં બે બાળકીઓ પર થયેલા જાતિય અત્યાચાર માટે મહારાષ્ટ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી તેમ જ ગૃહ ખાતું સંભાળનારા નાયબ મુખ્ય પ્રધાન દેેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માગણી કરી હતી.
એકનાથ શિંદેની સરકાર મહિલાઓની સુરક્ષા માટે ગંભીર ન હોવાનો આરોપ મૂકતા સુળેએ જણાવ્યું હતું કે સરકાર બીજા રાજકીય પક્ષોમાં ભંગાણ પડાવવામાં વ્યસ્ત છે અને તેમની પાસે સામાન્ય જનતા માટે જરાય સમય નથી.
સુળેએ જણાવ્યું હતું કે જો શિક્ષણ પ્રધાને બદલાપુરની ઘટનાની તાત્કાલિક નોંધ લઇને કાર્યવાહી આરંભી હોત તો વિરોધ પ્રદર્શન ન થયા હોત. આના પરથી જણાય છે કે સરકાર મહિલા સુરક્ષા બાબતે જરાય ગંભીર નથી. સરકાર ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તેમ જ ઇડી(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)નો ઉપયોગ કરીને લોકોના ઘરોમાં અને રાજકીય પક્ષોમાં ભંગાણ પડાવવામાં વ્યસ્ત છે.
ગૃહ પ્રધાને આ ઘટનાની જવાબદારી લેવી જોઇએ એમ કહેતા સુળેએ જણાવ્યું હતું કે ગૃહ પ્રધાન મુંબઈ કરતાં દિલ્હીમાં વધુ સમય વીતાવે છે. તેમણે આ ઘટનાની જવાબદારી લઇને પોતાનું રાજીનામું આપવું જોઇએ.
જો લોકોએ વિરોધ પ્રદર્શન ન કર્યું હોત તો આ ઘટના પ્રકાશમાં ન આવી હોત. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યા છે અને મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓમાં વધારો થઇ રહ્યો છે. બદલાપુરની શાળામાં બનેલી ઘટનાને વધુ સંવેદનશીલ રીતે હાથ ધરી શકાઇ હોત.