બે વર્ષ માટે EDના નવા ડિરેક્ટર તરીકે રાહુલ નવીનની નિમણૂક
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના (ED) નવા ડિરેક્ટરના નામની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે બુધવારે IRS અધિકારી રાહુલ નવીનને EDના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ બે વર્ષ સુધી આ પદ પર રહેશે. તેઓ EDના નવા ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનું સ્થાન લેશે. સંજય મિશ્રાનો કાર્યકાળ 14 ઓગસ્ટ બુધવારે પૂરો થયો.
કેન્દ્રીય કર્મચારી મંત્રાલય દ્વારા આ સંદર્ભે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટની નિમણૂક સમિતિએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં આઇઆરએસ રાહુલ નવીનની નિમણૂકને મંજૂરી આપી છે અને ચાર્જ સંભાળ્યાની તારીખથી બે વર્ષના સમયગાળા માટે અથવા આગળના આદેશ સુધી જે વહેલું હોય તે મુજબ પદ પર રહેશે.
આ પણ વાંચો : યુવા સ્વયંસેવકો પરિવર્તન અને પ્રગતિના સાચા મશાલદાતા: ડો .મનસુખ માંડવિયા
રાહુલ નવીન ભારતીય મહેસૂલ સેવા (ઇન્કમ ટેક્સ)ના 1993 બેચના અધિકારી છે. EDના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ પૂરો થયા બાદ રાહુલ નવીને 15 સપ્ટેમ્બર, 2023ના રોજ સ્પેશિયલ ડિરેક્ટરનો ચાર્જ સંભાળ્યો હતો. અગાઉ તેઓ સંજય મિશ્રા સાથે સ્પેશિયલ ડિરેક્ટર તરીકે કામ કરતા હતા. આ સિવાય રાહુલ નવીને નાણા મંત્રીના અન્ડર સેક્રેટરી તરીકે પણ કામ કરી ચૂક્યા છે.
ખાસ વાત એ છે કે રાહુલ નવીન આ પહેલા તપાસ એજન્સીમાં જ ઘણા મહત્વના પદો પર ફરજ બજાવી ચુક્યા છે. તેમણે આર્થિક ગુનાઓ અને મની લોન્ડરિંગ સંબંધિત ઘણા કેસોની તપાસમાં મહત્વની જવાબદારીઓ નિભાવી છે. રાહુલ નવીનની છાપ એક કડક અધિકારી તરીકેની છે અને વિવિધ વિભાગોમાં પોસ્ટિંગ દરમિયાન તેમનો ટ્રેક રેકોર્ડ શાનદાર રહ્યો છે.