આ કારણે કલાકો સુધી બેંગ્લોરના રસ્તા પર અટકી પડ્યા વાહનચાલકો…
કર્ણાટક: કર્ણાટકના બેંગલુરૂ શહેરમાં ગઈકાલે ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો અને વાહનચાલકોને 1 કિમી જેટલું અંતર કાપવા માટે 2 કલાકથી વધુ સમય લાગ્યો હતો. અમુક કિસ્સામાં તો લોકો પાંચ પાંચ કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહ્યા હતા. બેંગ્લુરુના લોકોએ સોશિયલ મીડિયા પર આ ટ્રાફિક જામના વીડિયો અને ફોટો શેર કર્યા હતા. બેન્ગલુરુના આઉટર રિંગ રોડ પર ભારે ટ્રાફિક જામને લઈને ટ્રાફિક પોલીસે આઈટી કંપનીઓ માટે એડવાઈઝરી પણ જારી કરવામાં આવી છે.
મળી રહેલી માહિતી પ્રમાણે રસ્તા પર ભારે ટ્રાફિક જામના કારણે વાહનોમાં લોકો 5 કલાકથી વધુ સમય સુધી અટકી પડ્યા હતા. આ જામના કારણે શહેરનો આઉટર રિંગ રોડ વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળી હતી. આ જામ ખેડૂતો અને કન્નડ સંગઠનોની ‘કર્ણાટક જળ સંરક્ષણ સમિતિ’ દ્વારા પોકારવામાં આવેલા બેંગલુરુ બંધના એક દિવસ બાદ જોવા મળ્યો હતો.
કાવેરી નદીનું પાણી તમિલનાડુમાં છોડવાના નિર્ણયનો વિરોધ કરવા માટે આ બંધની જહેરાત કરવામાં આવી હતી અને ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સોશિયલ મીડિયા પર આ ટ્રાફિક જામની તસવીરો શેર કરતા એક યુઝર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે બેંગ્લુરુમાં ભારે ટ્રાફિક જામના કારણે એક સ્કુલ બસ રાત્રે 8 વાગ્યે બાળકોને લઈને તેમના ઘરે પહોંચી હતી.
સોશિયલ મીડિયા યુઝર્સ ટ્રાફિકની વ્યવસ્થાને લઈને પ્રશાસનથી નારાજ દેખાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે બેંગ્લુરુમાં ભારે ટ્રાફિક જામના કારણે કોમેડિયન ટ્રેવર નોઆએ પણ પોતાનો શો રદ્દ કરવાની જાહેરાત કરી હતી. આ શો આઉટર રિંગ રોડ વિસ્તારમાં યોજાવાનો હતો. બેંગ્લુરુના તમામ લોકોએ શો જોવા માટે ટિકિટ ખરીદી હતી અને શો જોવા માટે લોકો ઓફિસથી વહેલા નીકળી પડ્યા હતા. જેના કારણે આઉટર રિંગ રોડ પર વાહનોની સંખ્યા વધી ગઈ હતી.
ટ્રાફિક વિભાગ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ મુજબ સાંજે 7:30 વાગ્યા સુધી રસ્તા પર વાહનોની સંખ્યા 3.59 લાખનો આંકડો વટાવી ગઈ હતી.