મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન અંગે રેલવે પ્રધાને લોકસભામાં આજે શું કહ્યું, જાણો?
નવી દિલ્હીઃ ભારત સ્વદેશી ટેક્નોલોજી સાથે દેશમાં બુલેટ ટ્રેન વિકસાવવા પર કામ કરી રહ્યું હોવાનું રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આજે જણાવ્યું હતું. રેલવે પ્રધાને લોકસભામાં જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સૌપ્રથમ અમદાવાદ-મુંબઇ વચ્ચે નિર્માણાધીન છે, જે ટેક્નોલોજીની દ્રષ્ટિએ ખૂબ જ જટિલ છે અને તેને જાપાનની મદદથી અમલમાં મૂકવામાં આવી રહ્યો છે.
આ બંને પશ્ચિમી શહેરો વચ્ચે બુલેટ ટ્રેનનું કુલ અંતર ૫૦૮ કિમીનું હશે. જેમાંથી ૩૨૦ કિમીનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના ભાગમાં કામ ધીમું પડી ગયું હતું પરંતુ ૨૦૨૨માં ભાજપ-શિવસેના સરકાર સત્તામાં આવ્યા બાદ તેમાં તેજી આવી અને રાજ્ય સરકાર તરફથી તમામ સંબંધિત પરવાનગીઓ મળી ગઇ છે. હવે કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર સ્લમ ડેવલપમેન્ટ લોની કામગીરીનું ઓડિટ કરાવો: સુપ્રીમ કોર્ટ
રેલવે પ્રધાને વધુમાં કહ્યું કે ભારતની પ્રથમ અંડરસી રેલ ટનલનું બાંધકામ ચાલી રહ્યું છે, જે ૨૧ કિમી લાંબી હશે. તેમણે નોંધ્યું હતું કે શરૂઆતમાં ભારતને બુલેટ ટ્રેનની ટેક્નોલોજી વિદેશમાંથી મળી હતી, પરંતુ હવે દેશમાં પણ ઘણી ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે. તેમણે કહ્યું કે અમે સ્વદેશી ટેક્નોલોજી સાથે સંપૂર્ણપણે બુલેટ ટ્રેન વિકસાવવા અને આત્મનિર્ભર બનવા પર કામ કરી રહ્યા છીએ