જય હો: કારગિલ વિજય દિવસની ઉજવણી માટે આર્મીએ મોટરસાઈકલ માર્ચ કાઢી
મુંબઈ: આવતીકાલે 26 જુલાઇના કારગિલ યુદ્ધમાં ભારતની પાકિસ્તાન સામે જીતની 25મી વર્ષગાંઠના અવસર પર ભારતીય સેનાએ આ વર્ષે યુદ્ધમાં ભાગ લેનારા અને શહીદ થયેલા વીર જવાનોની બહાદુરીને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કર્યું છે.
કાર્યક્રમના ભાગરૂપે ત્રણ દિશામાંથી લશ્કરની ટુકડીઓએ મોટરસાયકલ પર બેસીને કારગિલ તરફ કૂચ કરી હતી. સાહસિકો તાજેતરમાં જ દ્રાસ પહોંચ્યા હતા. રસ્તામાં તેમણે કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનાર બહાદુર સૈનિકો અને શહીદ પરિવારોની મુલાકાત લીધી અને યુવાનોને લશ્કરની કામગીરીથી વાકેફ કર્યા હતા.
નોર્ધન કમાન્ડના કમાન્ડર-ઇન-ચીફ લેફ્ટનન્ટ જનરલ વી. સચિન્દ્ર કુમાર દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક પર આયોજિત કાર્યક્રમમાં દ્રાસ પહોંચવા માટે ઘણું અંતર પાર કરીને આવેલા શૂરવીરોનું સ્વાગત કર્યું હતું.
આ પણ વાંચો : UPSCના ઉમેદવારો માટે મહત્વની અપડેટ : આયોગ કરી રહ્યું છે તેની પરીક્ષા પદ્ધતિમાં ફેરફારની તૈયારી!
1999ના કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન સામે ભારતના વિજયની 25મી વર્ષગાંઠ નિમિત્તે 12 જૂનથી શરૂ થયેલા ભારતીય લશ્કરના આ અનોખા અભિયાનના ભાગરૂપે દેશના ત્રણ ખૂણેથી દરેક જગ્યાએથી આઠ આઠ મોટર સાયકલ સવારોની ત્રણ ટીમોએ કારગિલ તરફ કૂચ કરી હતી. આ ઐતિહાસિક અભિયાન પૂર્વથી આસામના દિબ્રુગઢમાં આવેલા દિનજાન, પશ્ચિમમાં દ્વારકા અને દક્ષિણમાં ધનુષકોડીથી શરૂ થયું હતું.
પૂર્વના રાજ્યમાંથી નીકળેલી ટીમે દિલ્હી સુધી લગભગ 2489 કિમીનો પ્રવાસ કર્યો હતો. પશ્ચિમી ટીમે દ્વારકાથી શરૂઆત કરી લગભગ 1,565 કિમીનો પ્રવાસ કર્યો હતો, જ્યારે દક્ષિણની ટીમે ધનુષકોડીથી પ્રારંભ કરી લગભગ 2,963 કિમીનો પ્રવાસ કર્યો હતો. બધી દિશાએથી નીકળેલી ટીમ દિલ્હીમાં એક સાથે આવી અને પછી ઉત્તરની ટીમ સહભાગી થઈ.
27 જૂને પૂર્વ આર્મી ચીફ મનોજ પાંડેની હાજરીમાં બધી ટીમે ઇન્ડિયા ગેટ પાસેના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પાસેથી બે અલગ અલગ રૂટ પર આગળ વધી દ્રાસ તરફ કૂચ કરી હતી. એક ટીમે 1,085 કિમીનું અંતર કાપ્યું હતું, જ્યારે બીજી ટીમે 1,509 કિમીનું અંતર કાપ્યું હતું. બંને ટીમ ૧૦ જુલાઈએ દ્રાસ પહોંચી હતી.