નેશનલ

બોલો, ચાર વર્ષ પછી ગુમ થયેલી કાર નહેરમાંથી મળી, અને…

નવી દિલ્હી: મૂનક ​​કેનાલમાં કારમાંથી મળી આવેલા એક હાડપિંજરથી ભારે ચકચારી મચી છે. હાલ કારમાંથી મળી આવેલા માનવકંકાલની ઓળખ કરી લેવામાં આવી છે અને આ કંકાલ લગભગ ચાર વર્ષ પહેલા કોરોનાકાળમાં પોતાની કાર લઈને ગુમ થયેલી બુધ વિહારના રહેવાસી વિનોદ કુમાર હોવાનું સામે આવ્યું છે.

વિનોદ કુમારની ઓળખ તેના સ્વજનોએ કપડાના આધારે કરવામાં આવી હતી. પોલીસે પોસ્ટ માર્ટમ કરીને મૃતદેહ તેમના પરિવારને સોંપ્યો છે અને હવે મૃતકના DNA ટેસ્ટ કરાવાશે અને પરિજનોને મૃતકની ખાતરી આપવામાં આવશે.

ગુરુવારે ખેડા ગામ નજીક મૂનક કેનાલમાંથી એક સ્વીફ્ટ ડીઝાયર કાર મળી આવી હતી. કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે પોલીસ સંબંધીઓ સુધી પહોંચી હતી અને આ કાર બુધ વિહારના રહેવાસી વિનોદ કુમારના નામે નોંધાયેલી મળી આવી હતી. ત્યારબાદ વિનોદ કુમારના પરિજનોએ જણાવ્યું હતું કે વિનોદ કુમાર 30 સપ્ટેમ્બર 2020થી કાર સાથે ગાયબ છે. આ બાબતની ગુમ થયાની ફરિયાદ બીજા જ દિવસે વિજય વિહાર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.

આ પણ વાંચો: Puja Khedkar Controversy: પુણે પોલીસની IAS પૂજા ખેડકર સામે કડક કાર્યવાહી, ઓડી કાર જપ્ત

કેનાલમાં કાર મળી આવ્યા બાદ સમયપુર બાદલી પોલીસ સ્ટેશને વિનોદ કુમારના પુત્ર રવિ અને તેમના ભાઈ સુરેશ સાથે વાત કરી અને કારમાંથી મળેલી વસ્તુઓ બતાવી હતી. પોલીસે કહ્યું હતું કે કારમાંથી મળેલા કપડાના આધારે સંબંધીએ મૃતકની ઓળખ કરી હતી. ત્યારબાદ બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. વિનોદ કુમારના પુત્ર રવિએ જણાવ્યું કે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. પોલીસે પરિવારને ડીએનએ ટેસ્ટ કરાવવા જણાવ્યું છે અને આ ટેસ્ટ વિજય વિહાર પોલીસ કરાવશે.

કારની અંદર GPS સિસ્ટમ હોવા છતાં પોલીસ કારનો પતો લગાવવામાં નિષ્ફળ ગઇ હતી. કાર જ્યાંથી મળી આવી હતી તે લોકેશન મળ્યા બાદ પણ પોલીસે કેનાલમાં કાર શોધવા માટે કોઈ પ્રયાસ કર્યા ન હતા અને પોલીસની આ બાબતે બેદરકારી દાખવી હતી. વિનોદ કુમારના પુત્ર રવિએ જણાવ્યું કે ગુમ થયા બાદ તે પોલીસ સાથે ઘણી વખત આ સ્થળે આવ્યો હતો, પરંતુ નજીકના ખેતરોમાં શોધખોળ કરી હતી, પરંતુ કેનાલમાં શોધવાનો પ્રયત્ન નહોતો કરાયો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button