ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન નહીં જવા મુદ્દે ઓમર અબ્દુલ્લાએ આપી પ્રતિક્રિયા
હાલમાં જ ટી-20 વર્લ્ડ કપ સમાપ્ત થયો છએ અને ભારતે આ ટ્રોફી જીતી લીધી છે. હવે તમામની નજર વર્ષ 2025માં પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી પર છે. જોકે, BCCIના સૂત્રોએ જણાવ્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જાય તેવી શક્યતા નથી. હવે આ મુદ્દે જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાનું નિવેદન પણ સામે આવ્યું છે.
જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભાતીય ટીમના પાતિસ્તાન નહીં જવાની સંભાવના પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ કોઇ નવી વાત નથી. બંને દેશોએ ઘણા વર્ષોથી દ્વિપક્ષીય શ્રેણી રમી નથી. ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન નહીં જવું એ બીસીસીઆઇનો પોતાનો નિર્ણય છે.
ઓમર અબ્દુલ્લાએ એમ પણ જણાવ્યું હતું કે મેં હંમેશા બંને દેશ વચ્ચે સારા સંબંધો સ્થાપવાની વાત કરી છે, પણ એ જવાબદારી ફક્ત આપણા દેશની જ નથી. ભારત સાથે સંબંધ સારા બનાવવાની પાકિસ્તાનની પણ જવાબદારી છે. જમ્મુ કાશ્મીરમાં હુમલા બંધ થવા જોઇએ. જે પ્રકારનું વાતાવરણ છે તેવું ના હોવું જોઇએ. પાકિસ્તાને પણ આમાં પોતાની ભૂમિકા સમજવી પડશે અને પોતાનો અભિગમ સુધારવો પડશે. તો જ બંને દેશ વચ્ચેના સંબંધ સુધરશે.
પાકિસ્તાન ફેબ્રુઆરી-માર્ચમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની કરવાનું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને લાહોરમાં ટીમ ઈન્ડિયાની મેચો યોજવા માટેનો ડ્રાફ્ટ શેડ્યૂલ આઈસીસીને સુપરત કરી દીધો છે. જોકે, બીસીસીઆઇએ જણાવ્યું છે કે ભારત આઇસીસીને ચેમ્પયન્સ ટ્રોફીની મેચો દુબઇ અથવા શ્રીલંકામાં યોજવા કહેશે.