આમચી મુંબઈમહારાષ્ટ્ર

ગ્રાન્ટ રોડમાં છરાના ઘા ઝીંકી વૃદ્ધ માતાની હત્યા: પુત્રની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
નજીવા મુદ્દે થયેલા વિવાદમાં પુત્રએ છરાના ઉપરાછાપરી ઘા ઝીંકી વૃદ્ધ માતાની કરપીણ હત્યા કરી હોવાની ઘટના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં બની હતી. હત્યા પછી પડોશમાં રહેતા ભત્રીજાને જાણ કરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.
ડી. બી. માર્ગ પોલીસે મંગળવારે ધરપકડ કરેલા આરોપીની ઓળખ સુભાષ પૂંજાજી વાઘ (64) તરીકે થઈ હતી. બુધવારે કોર્ટમાં હાજર કરાયેલા આરોપીને બે દિવસની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.

આરોપી વાઘ ડૉ. ડી. બી. માર્ગ સ્થિત ચુનામ લેનની પંડિતાલય બિલ્ડિંગમાં માતા રમાબાઈ નથુ પિસાળ (78) સાથે રહેતો હતો. પહેલા પતિના મૃત્યુ પછી રમાબાઈએ બીજાં લગ્ન કર્યાં હતાં. સુભાષ પહેલા પતિથી થયેલો રમાબાઈનો પુત્ર હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી પાણી ભરવા માટે રોજ વહેલી સવારે ઊંઘમાંથી ઊઠતો હતો. પરિણામે રાતે તેને વહેલી ઊંઘ આવતી હતી. જોકે તે સૂતો હોય ત્યારે માતા ઘરનાં કામકાજ કરતી હોવાથી તેને ખલેલ પહોંચતી હતી. ઊંઘવા મળતું ન હોવાથી માતા સાથે તેનો વારંવાર ઝઘડો થતો હતો, એમ ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર વિનય ઘોરપડેએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: આને કપાતર પણ કેમ કહેવો ? પ્રોફેસર પુત્રએ માતાની ઘાતકી હત્યા કરી, પોતે પણ વહોરી આત્મહત્યા- ચકચાર

પોલીસ ફરિયાદ અનુસાર મંગળવારની સવારેેે સાડાસાત વાગ્યાની આસપાસ આ જ મુદ્દે માતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. રોષમાં આવી પુત્રએ છરાથી ઉપરાછાપરી ઘા ઝીંકતાં માતા લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડી હતી. માતા પર હુમલો કર્યા પછી આરોપીએ પડોશમાં રહેતા ભત્રીજાને ઘટનાની જાણ કરી હતી.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સુભાષને તાબામાં લીધો હતો. ગંભીર જખમી રમાબાઈને હૉસ્પિટલમાં લઈ જવામાં આવતાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. ભત્રીજાની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. ઘટનાસ્થળેથી પોલીસે છરો હસ્તગત કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button