સાઉથ કોરિયાના બોગસ વિઝાનું રેકેટ: નૌકાદળના વધુ એક અધિકારી સહિત ચારની ધરપકડ
મુંબઈ: બોગસ દસ્તાવેજો બનાવી તેને આધારે લોકોને ટૂરિસ્ટ વિઝા પર સાઉથ કોરિયા મોકલવાના રેકેટમાં સંડોવાયેલા નૌકાદળના વધુ એક અધિકારી સહિત ચાર જણની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આમાંના બે જણને જમ્મુ-કાશ્મીરથી પકડી પાડવામાં આવ્યા હતા. નૌકાદળના આ અધિકારી માસ્ટરમાઇન્ડ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટ (સીઆઇયુ)ના અધિકારીઓએ ધરપકડ કરેલા ચાર જણની ઓળખ નૌકાદળના સબ-લેફ્ટનન્ટ બ્રહ્મ જ્યોતિ, તેની નિકટવર્તી સાથીદાર સિમરન તેજી તથા રવિકુમાર અને દીપક ડોગરા તરીકે થઇ હતી. બ્રહ્મ જ્યોતિ અને સિમરનને કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેમને 5 જુલાઇ સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી. પોેલીસે આ કેસમાં શુક્રવારે નૌકાદળના લેફ્ટનન્ટ કમાન્ડર વિપિન કુમાર ડાગરની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર વિપિન ડાગર વાસ્તવમાં મુખ્ય સૂત્રધાર બ્રહ્મ જ્યોતિની સૂચના પર કામ કરતો હતો, જ્યારે સિમરન તેજી ગુનામાંથી મેળવેલી રકમ તેનાં વિવિધ બેન્ક ખાતાંમાં જમા કરાવતી હતી. તેણે બ્રહ્મ જ્યોતિના મોબાઇલની ખોટી માહિતી આપીને નવા બેન્ક ખાતાં પણ ખોલાવ્યાં હતાં. સિમરને તેની માતાના નામે પણ ખાતું ખોલાવ્યું હતું, જેમાં જ્યોતિનો મોબાઇલ નંબર લિંક કર્યો હતો અને તેમાં રૂ. 25થી 30 લાખ જમા થયા હતા.
આ પણ વાંચો: South Korea અમારી 0.001mm જમીન છીનવશે તો એને ‘યુદ્ધ ઉશ્કેરણી’ માનવામાં આવશે: Kim Jong Un
તપાસ દરમિયાન રવિકુમાર અને દીપક ડોગરાનાં નામ સામે આવ્યાં બાદ પોલીસની ટીમે જમ્મુ-કાશ્મીરથી તેમની ધરપકડ કરી હતી. રવિકુમાર લાભાર્થી છે, જે બોગસ દસ્તાવેજો રજૂ કરી મેળવેલા વિઝા પર સાઉથ કોરિયા જવા માગતો હતો. દીપક ડોગરા સમગ્ર કામગીરી પર દેખરેખ રાખતો હતો અને વર્ક વિઝા પર વિદેશ જવા ઇચ્છતા સંભવિત લક્ષ્યોને શોધી કાઢતો હતો.
ઉલ્લેખનીય છે કે ડાગર નેવીના યુનિફોર્મમાં મુંબઈમાની કોરિયાની કોન્સ્યુલેટ જનરલની ઓફિસમાં પહોંચી જતો અને યુનિફોર્મનો રૂઆબ પાડી ઉમેદવારોના વિઝાની સ્થિતિનું ફોલો-અપ કરતો હતો. ગયા મહિને તેણે અહીં ધમાલ પણ મચાવી હતી. આ ટોળકીએ અત્યાર સુધી લાખો રૂપિયા લઇને 10 લોકોને સાઉથ કોરિયા મોકલ્યા છે.