નેશનલ

આસામમાં અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત

ગુવાહાટીઃ રેમલ વાવાઝોડાને પગલે આસામના બરાક ખીણ અને દિમા હસાઓના ત્રણ જિલ્લાઓમાં સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. તેમજ અન્ય અસરગ્રસ્ત જિલ્લાઓમાં તૂટક-તૂટક વરસાદ અને વાવાઝોડાના અહેવાલો મળ્યા છે.

આ પણ વાંચો: અરબ સાગરમાં 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન, માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા એલર્ટ

બરાક ખીણના કરીમગંજ, કચર અને હૈલાકાંડી જિલ્લામાં, બરાક નદી અને તેની ઉપનદીઓ લોંગાઇ, કુશિયારા, સિંગલા અને કટાખાલ અનેક સ્થળોએ જોખમના સ્તરથી ઉપર વહી રહી હતી. આ જિલ્લાઓના સંવેદનશીલ વિસ્તારોના રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને રાહત પૂરી પાડવામાં આવી છે. ગંભીર રીતે પ્રભાવિત દિમા હસાઓ જિલ્લામાં સતત વરસાદને કારણે જનજીવન થંભી ગયું છે. સમગ્ર જિલ્લામાં રોડ કનેક્ટિવિટીને ગંભીર અસર થઇ છે. હરંગાજાઓ નજીક હાફલોંગ-સિલ્ચર માર્ગનો એક ભાગ ધોવાઇ ગયા પછી સંપૂર્ણપણે કપાઇ ગયો છે. જ્યારે હાફલોંગ-હરંગાજાઓ માર્ગ અનેક ભૂસ્ખલન થતા બાધિત થવાથી અસંખ્ય પેસેન્જર વાહનો હરંગાજા વિસ્તારમાં ફસાયેલા છે.

આ પણ વાંચો: Gujarat Weather : ગૂજરાતમાં સારા વરસાદની હવામાન શાસ્ત્રીઓની આગાહી

માહુર અને લાયસોંગ વચ્ચેનો રસ્તો સંપૂર્ણપણે ધોવાઇ જતા લાયસોંગ વિખૂટું પડી ગયું છે. જિલ્લા વહીવટીતંત્રે ગંભીર હવામાનને કારણે શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે અને હાફલોંગ-હરંગાજાઓ રોડ પર ભારે વ્યાપારી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. ભારે વાવાઝોડા સાથે અવિરત વરસાદે સમગ્ર જિલ્લામાં ક્ષતિગ્રસ્ત મકાનો, ઉખડી ગયેલા વૃક્ષો અને ભૂસ્ખલન સહિત વ્યાપક વિનાશ સર્જ્યો છે. હાફલોંગ-બદરપુર રેલ માર્ગ પર ભૂસ્ખલનને કારણે પહાડી વિભાગ દ્વારા ટ્રેન સેવાઓ રદ્દ કરવામાં આવી છે અથવા ટૂંકા સમય માટે બંધ કરવામાં આવી છે. નોંધનીય છે કે મંગળવારે ચક્રવાત રેમલ બાદ ભારે વરસાદ અને વાવાઝોડામાં રાજ્યમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે અને ૧૮ ઘાયલ થયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button