શું કૉંગ્રેસ ખરેખર મુસ્લિમોને આરક્ષણ આપશે? Jairam Ramesh કહ્યું કે…
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણોમાં કૉંગ્રેસ મુસ્લિમોને આરક્ષણ આપવા માગે છે, તેવો દાવો કરી રહ્યા છે ત્યારે કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા જયરામ રમેશે આનો જવાબ આપ્યો છે. જયરામ રમેશે કહ્યું છે કે કોંગ્રેસ ધાર્મિક આધાર પર અનામતનું સમર્થન કરતી નથી. બંધારણ આની મંજૂરી આપતું નથી. તેમણે કહ્યું કે મુસ્લિમોની કેટલીક જાતિઓ અનામતના દાયરામાં આવે છે, અમે કર્ણાટકમાં તેમને અનામત આપી છે, પરંતુ ધાર્મિક આધાર પર અનામત ગેરબંધારણીય છે.
તેમણે ભાજપન ઝાટકતા કહ્યું કે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે 369 લોકસભા સીટો પર ચૂંટણી થઈ છે. શરૂઆતના તબક્કામાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે દક્ષિણ ભારતમાં ભાજપ સાફ થયું છે અને ઉત્તર ભારતમાં હાફ થયું છે. તેમણે કહ્યું કે ભાજપની લહેર નથી, યુવાનો અને મજૂરોમાં નારાજગી છે. જયરામ રમેશે કહ્યું કે પીએમ મોદી જે રીતે મંદિરો, મસ્જિદો અને હિંદુ-મુસ્લિમોની વાત કરી રહ્યા છે તે સ્પષ્ટ કરે છે કે તેઓ ધ્રુવીકરણમાં લાગેલા છે. જ્યારે જનતા અમારી ગેરંટી પર ધ્યાન આપી રહી છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે તે (ભાજપ) 400ને પાર કરવાનો નારો આપી રહી છે અને અમે લઘુત્તમ વેતન દર વધારીને 400 કરવા જઈ રહ્યા છીએ. અમારી ગેરંટી એક વ્યક્તિની નથી, પરંતુ પાર્ટીની છે. અમે તેલંગાણા અને કર્ણાટકમાં અમારું વચન પૂરું કર્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ જાતિ ગણતરી પર હજુ સુધી પોતાનું મૌન તોડ્યું નથી. તેમણે સવાલ પૂછ્યો કે પીએમએ સ્પષ્ટ કરવું જોઈએ કે શું તેઓ જાતિ ગણતરીના પક્ષમાં છે કે નહીં?
આવતીકાલે દેશભરમાં પાંચમા તબક્કાનું મતદાન યોજાનાર છે. આ મતદાનમાં રાહુલ ગાંધીની રાયબરેલી સહિતની ઘણી મહત્વની બેઠકો પર મતદાન થવાનું છે.