ભારતમાં ભળવા તરફ આગળ વધી રહ્યું છે PoK!, PoKમાં પાક. સેનાનો જોરદાર વિરોધ

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK)માં ભારે અશાંતિનો માહોલ છે. PoKમાં સ્થિતિ વણસી રહી છે. વીજળીની કટોકટી, મોંઘવારી અને ટેક્સના વધેલા દરોથી પરેશાન લોકોએ સરકાર સામે મોરચો ખોલ્યો છે. સરકાર અને પાકિસ્તાનના સુરક્ષા દળો સામે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. રાજધાની મુઝફ્ફરાબાદમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સ્થિતિ એવી છે કે જનતા અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ શરૂ થઈ ગયું છે. અનેક જગ્યાએ હડતાળ અને દેખાવો થઈ રહ્યા છે. જેના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. POKના કેટલાક વિસ્તારોમાં દુકાનો, શાળા, કોલેજો બંધ કરી દેવામાં આવી છે. પાકિસ્તાની સેના લોકોના વિરોધને કાબૂમાં લેવા માટે ભારે બળનો ઉપયોગ કરી રહી છે. પાકિસ્તાની સુરક્ષા દળો ટીયરગેસથી લઈને ગોળીબાર સુધી દરેક વસ્તુનો ઉપયોગ કરી રહ્યા છે. પીઓકેમાં ઘણી જગ્યાએ દેખાવકારો અને સુરક્ષા દળો વચ્ચે અથડામણને કારણે તણાવ ચરમસીમા પર છે.
પોલીસે રાજધાની મુઝફ્ફરાબાદમાં પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી, જેના કારણે સ્થિતિ નિયંત્રણ બહાર ગઈ છે. પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને હવામાં ગોળીબાર પણ કર્યો હતો. એટલું જ નહીં, પોલીસે અનેક ઠેકાણે રાતોરાત દરોડા પાડ્યા હતા, અને ઘણા નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.
પાકિસ્તાનના લોકો કમરતોડ મોંઘવારી સાથે સંઘર્ષ કરી રહ્યા છે. એવામાં 3 બિલિયન ડોલરના નાણાકીય સહાય પેકેજને મંજૂરી આપતી વખતે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા લાદવામાં આવેલી કડક શરતોને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. વીજળીના દરમાં વધારાને કારણે સમસ્યાઓ વધી છે અને પાકિસ્તાનમાં લોકોને રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા પાક સરકારે POKમાં કલમ 144 લાગુ કરી દીધી છે, પણ છતાંય હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
POKના એક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે અહીંની સ્થિતિ કાબુ બહાર જઇ રહી છે. પાકના અત્યાચાર વધી ગયા છે. ભારતે હવે હસ્તક્ષેપ કરવો જોઇએ. ગિલગિટ અને બાલ્ટિસ્તાનને આઝાદી મળવી જરૂરી છે.