નેશનલ

Up પછી Biharમાં પણ પિતાની હેવાનીયતઃ પત્ની-સાસુ અને બે બાળકને કૂટી કૂટીને માર્યા

પટણાઃ આજની સવાર જ ઉત્તર પ્રદેશના ભયાનક હિંસાચારથી થઈ હતી જેમાં એક પુરુષે પોતાની પત્ની, માતા અને બે બાળકને મારી નાખી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી, જ્યારે ફરી આવી કાળજુ કંપાવતી ઘટના બની છે. બિહારમાં હત્યારાએ તેના બે બાળકો સહિત તેની પત્ની અને સાસુનો જીવ લીધો હતો. બે બાળકોએ કોઈક રીતે પોતાનો જીવ બચાવ્યો. આ ઘટના શનિવારે સવારે મધુબની જિલ્લામાં પ્રકાશમાં આવી હતી.

મધુબનીમાં એક ક્રૂર યુવકે તેની પત્ની, સાસુ અને બે માસૂમ બાળકોની મારી મારીને હત્યા કરી નાખી. હત્યાના આરોપીનું નામ પવન મહતો છે. પવનની પત્ની પિંકી તેના પતિ સાથે ઝઘડા બાદ થોડા મહિનાઓથી ઝાંઝરપુરના સુખેત ગામમાં તેના મામાના ઘરે રહેતી હતી. તેના પતિ સાથે તેનો વિવાદ સમાપ્ત થયો ન હતો. પોલીસને મળેલી અત્યાર સુધીની માહિતી મુજબ પવન મહતો શુક્રવારે રાત્રે કોઈની સાથે તેના સાસરે પહોંચ્યો હતો. અહીં તેણે તેની સાસુ પ્રમિલા દેવી (59 વર્ષ) અને પત્ની પિંકી (26 વર્ષ) સહિત ચાર વર્ષની પુત્રી પ્રિયા અને છ મહિનાની પુત્રી પ્રીતિને તેઓ સૂતા હતા ત્યારે અનાજ પીસવા માટેની પથ્થરની ચક્કીના પથ્થરથી કૂટી કૂટીને મારી નાખ્યા હતા. પોલીસે સ્થળ પરથી લોહીથી ખરડાયેલ પથ્થર અને તેનું લાકડાનું હેન્ડલ કબજે કર્યું છે.

ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. નજીકમાં લોકોની ભીડ હતી. અહીં માહિતી મળતા જ ડીએસપી પવન કુમાર, ઈન્સ્પેક્ટર બીકે બ્રજેશ, પોલીસ સ્ટેશન હેડ રણજીત કુમાર ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ઘાતકી હત્યા કેસ દરમિયાન એક મોટી વાત બહાર આવી રહી છે. હત્યા સમયે ઘરમાં વધુ બે માસુમ બાળકો હાજર હતા. બંનેએ પોતાની બુદ્ધિથી પોતાનો જીવ બચાવ્યો. ઘટના દરમિયાન બંને માસુમ બાળકો ખાટલા નીચે ધાબળામાં સંતાઈ ગયા હતા. હત્યારો તે બંનેને જોઈ શક્યો ન હતો. આ પછી પોલીસ અને પરિવારના સભ્યો બંનેને બહાર લઈ ગયા. બંનેએ જે ખુલાસો કર્યો તે ચોંકાવનારો હતો. બંનેએ જણાવ્યું હતું કે તેમના કાકાએ બીજા એક માણસ સાથે મળીને તેમની કાકી, દાદી અને બે પિતરાઈ ભાઈઓની હત્યા કરી હતી. આ પછી તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઝંઝારપુરના ડીએસપી પવન કુમાર સિંહે જણાવ્યું કે આરોપીઓને પકડવા માટે પોલીસ પ્રયત્નો કરી રહી છે. બાળકો સહિત તમામ લોકોના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે. એફએસએલની ટીમને બોલાવવામાં આવી છે. ટૂંક સમયમાં ગુનેગારોની ધરપકડ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button