ન્યૂ ઝીલૅન્ડના કૉલિન મન્રોએ ચાર વર્ષ રાહ જોઈ અને હવે રિસાઈને આ જાહેરાત કરી દીધી
કિવી બૅટર્સમાં આ લેફ્ટ-હૅન્ડ બૅટર 360 ડિગ્રી સ્ટાઇલની બૅટિંગનો પ્રણેતા ગણાય છે
ક્રાઇસ્ટચર્ચ: ન્યૂ ઝીલૅન્ડના ઓપનિંગ બૅટર કૉલિન મન્રોએ ટી-20 ફૉર્મેટની 428 મૅચમાં પાંચ સેન્ચુરીની મદદથી અને 141.25ના સ્ટ્રાઇક-રેટ સાથે 11,000 જેટલા રન અને ટી-20 ઇન્ટરનૅશનલમાં ત્રણ સેન્ચુરી અને 156.44ના સ્ટ્રાઇક-રેટ સાથે 1700-પ્લસ રન બનાવ્યા છે, પરંતુ તેને પહેલી જૂને શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપ માટેની ન્યૂ ઝીલૅન્ડની ટીમમાં સ્થાન ન મળતાં તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી છેવટે નિવૃત્તિ જાહેર કરી દીધી છે.
કુલ 123 ઇન્ટરનૅશનલ મૅચ રમી ચૂકેલો 37 વર્ષનો મન્રો આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કૅપિટલ્સ વતી રમી ચૂક્યો છે. ન્યૂ ઝીલૅન્ડ વતી તે છેલ્લે 2020માં રમ્યો હતો. જોકે ચાર વર્ષ સુધી ફરી રાષ્ટ્રીય ટીમમાં સ્થાન ન મળવા છતાં તેણે જૂનના ટી-20 વર્લ્ડ કપમાં રમવાની આશા રાખી હતી. નૅશનલ હેડ-કોચ ગૅરી સ્ટીડે પત્રકારોને તાજેતરમાં કહ્યું હતું કે વિશ્ર્વકપ માટેની સિલેક્શન કમિટીની મીટિંગમાં મન્રો વિશે ચર્ચા થઈ હતી, પરંતુ આ પીઢ લેફ્ટ-હૅન્ડ બૅટર માટે કોઈ જગ્યા જ નહોતી એટલે તેને 15 પ્લેયરની ટીમમાં નથી સમાવ્યો.
મન્રોનો જન્મ સાઉથ આફ્રિકાના ડરબનમાં થયો હતોે. તેણે રિટાયરમેન્ટ જાહેર કરતી વખતે કહ્યું, ‘ન્યૂ ઝીલૅન્ડ વતી મને રમવા મળ્યું એને હું કરીઅરની સૌથી મોટી સિદ્ધિ ગણું છું. જોકે છેલ્લા ચાર વર્ષમાં ફ્રૅન્ચાઇઝી-આધારિત ટી-20 લીગ ટૂર્નામેન્ટોમાં મેં જે પર્ફોર્મ કર્યું એના પરથી મને આશા હતી કે ફરી ન્યૂ ઝીલૅન્ડની ટીમમાં અને ખાસ કરીને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળશે. હવે જ્યારે વર્લ્ડ કપની ટીમ જાહેર થઈ ચૂકી છે એટલે મારું પ્રકરણ અહીં સત્તાવાર રીતે સમાપ્ત જાહેર કરું છું.’
આપણ વાંચો: ન્યૂ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટરે હાર્દિક પંડ્યા વિશે ગંભીર શંકા વ્યક્ત કરી
મન્રોએ ટી-20 ઇન્ટરનૅશનલમાં ત્રણ સદી ફટકારી હતી જેમાંની એક સેન્ચુરી તેણે 47 બૉલમાં (2018માં વેસ્ટ ઇન્ડિઝ સામે) પૂરી કરી હતી અને એ સમયે ન્યૂ ઝીલૅન્ડના બૅટર્સમાં એ ફાસ્ટેસ્ટ સેન્ચુરી હતી. ત્યારે તે ટી-20 ઇન્ટરનૅશનલમાં ત્રણ સેન્ચુરી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. શ્રીલંકા સામે તેણે માત્ર 14 બૉલમાં હાફ સેન્ચુરી (2016માં શ્રીલંકા સામે) ફટકારી હતી જે હજી પણ ન્યૂ ઝીલૅન્ડ માટે વિક્રમ છેઅને ટી-20 ઇન્ટરનૅશનલ ક્રિકેટની ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરીઓમાં ચોથા સ્થાને છે.
મન્રોએ ટી-20 ઇન્ટરનૅશનલમાં જે 1724 રન બનાવ્યા છે એમાં સૌથી વધુ 426 રન ભારત સામે બનાવ્યા હતા. તે છેલ્લી ટી-20 મૅચ ભારત સામે રમ્યો હતો.
ન્યૂ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યૂટિવ સ્કૉટ વીનિન્કે કહ્યું, ‘મન્રોને આપણે ન્યૂ ઝીલૅન્ડના આક્રમક શૉર્ટ-ટર્મ બૅટિંગના પ્રણેતા તરીકે યાદ રાખીશું. ન્યૂ ઝીલૅન્ડ ીતી અગ્રેસિવ બૅટિંગ શરૂ કરનારાઓમાં પણ તેનો સમાવેશ થઈ શકે જેમાં ખાસ કરીને 360 ડિગ્રી સ્ટાઇલની બૅટિંગનો ખાસ ઉલ્લેખ કરવો પડે અને એ સ્ટાઇલ વિશ્ર્વના ઘણા બૅટર્સે અપનાવી છે. બૅટર સમય સૂચકતા સાથે અને પાક્કી ગણતરીથી પોતાનું સ્ટાન્સ બદલીને 360 ડિગ્રી સ્ટાઇલથી શૉટ ફટકારતો હોય છે અને બૅટિંગને નવા સ્તરે લઈ જતા આ શૉટને ટી-20 ફૉર્મેટનો આવિષ્કાર કહેવામાં આવે છે.’
ભારતીય બૅટર્સમાં ટી-20 ઇન્ટરનૅશનલનો વર્લ્ડ નંબર-વન બૅટર સૂર્યકુમાર યાદવ 360 ડિગ્રી સ્ટાઇલની બૅટિંગ માટે જાણીતો છે.
કૉલિન મન્રો ટી-20 લીગ ટૂર્નામેન્ટોમાં રમવાનું ચાલુ રાખશે.