મધ્ય પ્રદેશની બેતુલ લોકસભા બેઠકના ચાર બુથ પર ફરીથી મતદાનનો આદેશ
બેતુલઃ ચૂંટણી પંચે મધ્ય પ્રદેશની બેતુલ લોકસભા બેઠકના ચાર બુથ પર ૧૦મેના રોજ ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે મતદાન કર્મચારીઓ અને ઇવીએમને લઇ જતી બસમાં આગ લાગતા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોને નુકસાન થયું હતું. જોકે કોઇ જાનહાનિ થઇ ન હતી.
એક અધિકારીના જણાવ્યા અનુસાર બેતુલ લોકસભા બેઠક પર દિવસ દરમિયાન મતદાન બાદ આ બસ ચૂંટણી કર્મચારીઓ અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોને લઇ જઇ રહી હતા ત્યારે મંગળવારે રાત્રે લગભગ અગિયાર વાગ્યે ગોલા ગામ નજીક આગ લાગી હતી. જેના કારણે કેટલાક ઇવીએમને નુકસાન થયું હતું. જોકે આ ઘટનામાં કોઇને ઇજા થઇ નથી, એમ અગાઉ બેતુલના કલેક્ટર નરેન્દ્ર સૂર્યવંશીએ જણાવ્યું હતું.
જિલ્લા વહીવટીતંત્રે આગની ઘટના અંગે અહેવાલ સુપરત કર્યા પછી ચૂંટણી પંચે બુધવારે મતવિસ્તારના ચાર મતદાન મથકો પર ફરીથી ચૂંટણી કરવાનો આદેશ આપ્યો હતો. સંસદીય બેઠકના મુલતાઇ વિધાનસભા ક્ષેત્રમાં સ્થિત આ બુથ પર ૧૦ મે એટલે કે શુક્રવારના રોજ સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પુનઃ મતદાન યોજાશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ બુથ સરકારી સંકલિત હાઇસ્કૂલ-રાજાપુર, સરકારી સંકલિત હાઇસ્કૂલ-રૈયત, સરકારી પ્રાથમિક શાળા કુંડા, રૈયત અને સરકારી સંકલિત હાઇસ્કૂલ-ચીખલીમાલમાં સ્થાપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઘટના સમયે બસમાં છ પોલિંગ પાર્ટીઓ અને અડધો ડઝન ઇવીએમ હતા. જેમાંથી ચાર વોટિંગ મશીનોને નુકસાન થયું હતું.