નેશનલ

ગુજરાતમાં અન્ય પછાત વર્ગોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 27 ટકા અનામત આપવાનોનિર્ણય


(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની બેઠકોમાં ઓબીસી જાતિઓની 27 ટકા અનામત આપતા ગુજરાત સ્થાનિક સત્તામંડળ સુધારા વિધેયક -2023ને શુક્રવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરતાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં અન્ય પછાત વર્ગોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 27 ટકા આપનાર ગુજરાત સમગ્ર દેશમાં 4થું રાજ્ય બનશે.

પટેલે વધુમાં કહ્યું હતું કે, ઇન્દિરા ગાંધી સરકારે 1980 થી 1984 સુધી મંડલ કમિશનનો અહેવાલ દબાવી રાખ્યો હતો. પછાત વર્ગના વિકાસ માટે ભાજપા સરકાર હંમેશાં હકારાત્મક રહ્યું છે. ભાજપા સરકાર દ્વારા ઓબીસીને શિક્ષણ, નોકરી અને રાજકીય તમામ ક્ષેત્રે 27 ટકા અનામતનો અધિકાર અપાયો છે. નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની સરકારે દેશમાં પ્રથમવાર ઓબીસી કમિશનને બંધારણીય દરજજો આપ્યો હતો. ઓબીસીને 27 ટકા અનામતથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં એસ.ટી.-એસ.સીની એકપણ બેઠક ઘટી નથી.

27 ટકા અનામતથી રાજ્યમાં ઓબીસી બેઠકોમાં વધારો થયો છે. 33 જિલ્લા પંચાયતોમાં અંદાજે 105 બેઠકો હતી તે હવે અંદાજે 206 થશે અને 248 તાલુકા પંચાયતોમાં અંદાજે 505 બેઠકો વધીને અંદાજે 994 થશે. રાજ્યની 14,562 ગ્રામ પંચાયતોમાં અંદાજે 12,750 બેઠકો હવે વધીને અંદાજે 22,617 થશે. 8 મહાનગરપાલિકાઓમાં અંદાજે 67 બેઠકો હતી તે હવે અંદાજે 181 થશે કુલ 156 નગરપાલિકાઓમાં અંદાજે 481 બેઠકો હતી તે હવે વધીને 1,270 થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button