૨૪ લાખ વિદ્યાર્થીએ આપી મેડિકલની પ્રવેશ પરીક્ષા
નવી દિલ્હીઃ દેશભરમાં મેડિકલ, ડેન્ટલ, આયુષ, વેટરનરી તથા પસંદગીની મેડિકલ કોલેજોના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય પાત્રતા કમ મેડિકલ પ્રવેશ પરીક્ષા-નીટ યુજી ૨૦૨૪ રવિવારના રોજ લેવામાં આવી હતી.
એમબીબીએસ, બીએચએસ, બીએમએસ, બેચલર ઇન ડેન્ટલ સર્જન અને બીએસસી નર્સિંગ સહિત વિવિધ સ્નાતક મેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે આજે દેશભરમાંથી લગભગ ૨૪ લાખ વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષામાં ભાગ લીધો હતો.
ભારતની બહારના ૧૪ શહેરો સહિત દેશભરના ૫૫૭ શહેરોમાં સ્થિત વિવિધ કેન્દ્રોમાં તબીબી ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. કુલ નોંધાયેલા ૨૪ લાખ ઉમેદવારોમાંથી ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને લગભગ ૧૩ લાખ વિદ્યાર્થીનીઓ હતી.
નીટ યુજી પરીક્ષા બપોરે બે વાગ્યે શરૂ થઇ હતી. પરીક્ષા એક જ શિફ્ટમાં યોજાઇ હતી. જેનો સમય બપોરે ૨ થી ૫-૨૦ વાગ્યાનો હતો. પરીક્ષા કેન્દ્રો પર તમામ ઉમેદવારોએ પરીક્ષાના લગભગ ૩૦ મિનિટ પહેલા પહોંચાનું હતું.
પરીક્ષાર્થીએ તેમની સાથે એડમિટ કાર્ડ લાવવું ફરજિયાત હતું. નોંધનીય છે કે નીટ યુજી ૨૦૨૪ પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડ પરીક્ષાના ત્રણ દિવસ પહેલા જારી કરવામાં આવ્યા હતા.