વેપારશેર બજાર

રોકાણકારો સાવધાન, શેરબજારની તેજી વચ્ચે હર્ષવર્ધન ગોએન્કાએ સેબી અને સરકારને કરી આ વિનંતી

મુંબઈ: પ્રખ્યાત ઉદ્યોગપતિ અને RPG ગ્રુપના ચેરમેન, હર્ષવર્ધન ગોએન્કા સોશિયલ મીડિયા પર સક્રિયતા માટે જાણીતા છે. હર્ષ ગોએન્કાએ શેરબજારમાં ચાલી રહેલી તેજીને લઈ આશંકા વ્યક્ત કરી છે અને માર્કેટમાં ગેરરીતીનો આરોપ લગાવ્યો છે. તેમણે હર્ષદ મહેતા અને કેતન પારેખના યુગના પુનરાગમનની યાદ તાજી કરી છે.

હર્ષ ગોએન્કાએ શેરબજારની તેજી વચ્ચે રોકાણકારોને સચેત કર્યા છે, તેમણે તેમના ટ્વિટર સોશિયલ મિડિયા હેન્ડલ પર એક પોસ્ટ કરી છે. તેમણે કહ્યું કે વર્તમાન તેજી હર્ષદ મહેતા/કેતન પારેખના યુગની યાદ અપાવે છે અને આ પ્રેક્ટિસ પર ચિંતા વ્યક્ત કરી છે, ખાસ કરીને કોલકાતામાં ચાલી રહેલી કથિત ગેરરીતિઓ અંગે તેમણે પ્રકાશ પાડ્યો છે જેમાં પ્રમોટરો ઉંચો પ્રોફિટ બતાવીને એન્ટ્રી કરે છે અને શેરના ભાવને અવાસ્તવિક સ્તરે લઈ જવા માટે ગુજરાતી-મારવાડી શેર દલાલોને મદદ કરે છે.

હર્ષ ગોયેન્કાએ શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ટ્વિટમાં લખ્યું કે આ દિવસોમાં શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. તેનો લાભ લેવા માટે કેટલાક લોકો હર્ષદ મહેતા અને કેતન પારેખની જેમ કામ કરી રહ્યા છે. આ સાંઠગાંઠ મુખ્યત્વે કોલકાતાથી કાર્યરત છે. પ્રમોટરો કંપનીઓનો નફો વધારીને બતાવી રહ્યા છે, આ કૌભાંડમાં ગુજરાતી અને મારવાડી દલાલો પણ સામેલ છે. આ બ્રોકરો શેરના ભાવને અવાસ્તવિક ઊંચાઈએ લઈ જવાની રમત રમી રહ્યા છે.

તેમણે આ ટ્વીટ દ્વારા શેરબજારમાં રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે નિયમનકારી દેખરેખની માંગ કરી છે. ગોએન્કાની ચિંતાઓએ શેર બજાર પર લોકોનો ભરોસો જાળવી રાખવા અને તેની સ્થિરતાની ખાતરી કરવા માટે નિયમનકારી સંસ્થાઓઓ દ્વારા સક્રિય આગોતરા પગલાં લેવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે. તેમણે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા અને નાણા મંત્રાલય સહિતની નિયમનકારી સંસ્થાઓને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને આ ગેરરીતિઓની તપાસ કરવા વિનંતી કરી છે. તેમણે નાના રોકાણકારો માટે સંભવિત નુકસાન અટકાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

વધુમાં તેમણે લખ્યું કે હવે સમય આવી ગયો છે કે નાણા મંત્રાલય આમાં હસ્તક્ષેપ કરે અને જવાબદારો સામે તપાસ કરી તેમની વિરૂધ્ધ કાર્યવાહી કરે. શેરબજારમાં ચાલતી આવી ગેરરિતીઓ આખરે નાના રોકાણકારોને ભારે નુકસાન પહોંચાડી શકે છે. તેમણે આ પોસ્ટમાં નાણા મંત્રાલયને પણ ટેગ કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button