
મુંબઈ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ (UP CM Yogi Adityanath)ને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ગઈ કાલે શનિવારે સાંજે મુંબઈ પોલીસ (Mumbai Police)ના કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો ફોન કોલ આવતા ખળભળાટ મચી ગયો છે. ફોન કરનાર શખ્સે જણાવ્યું કે જો યોગી આદિત્યનાથ 10 દિવસમાં રાજીનામું નહીં આપે તો તેમનાં હાલ બાબા સિદ્દીકી જેવા થશે. મુંબઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ફોન કરનાર શખ્સની શોધખોળ ચાલી રહી છે.
આ વર્ષે અગાઉ પણ ઘણી વખત મુખ્ય પ્રધાન આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. યુપી પોલીસે અલગ-અલગ જગ્યાએથી ધમકી આપનારાઓની ધરપકડ કરી હતી.
તાજેતરમાં મહારાષ્ટ્રના વરિષ્ઠ NCP નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીની હત્યા બાદ મુંબઈ પોલીસ આ કેસની સતત તપાસ કરી રહી છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ ઘણા નેતાઓ અને સેલિબ્રિટીને સતત ધમકીઓ મળી રહી છે.
આ પણ વાંચો…..Jammu Kashmir આજે ભાજપની બેઠક, વિધાયક દળના નેતાની પસંદગી કરાશે
બાબા સિદ્દીકીની હત્યા બાદ હવે બિહારની પૂર્ણિયા લોકસભા સીટના સાંસદ પપ્પુ યાદવને પણ સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ અંગે પપ્પુ યાદવે ગૃહ મંત્રાલય સુધી ફરિયાદ કરી છે.
પોલીસનું કહેવું છે કે પપ્પુ યાદવને ધમકી આપનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ પપ્પુ યાદવે સીસીટીવી ફૂટેજ જાહેર કરીને કહ્યું છે કે તેમના ઘરની રેકી કરવામાં આવી છે. હજુ પણ તેના જીવને જોખમ છે.