ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે, ત્યારે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટૂર્નામેન્ટમાં નહીં રમી શકે છે. જાણકારી મુજબ હાર્દિક પંડ્યાની જગ્યાએ હવે ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણને ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશ સામેની મેચમાં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો. હાર્દિક હજુ પણ ઈજામાંથી બહાર આવી શક્યો નથી.
19 ઓક્ટોબરે પુણેમાં બાંગ્લાદેશ સામે મેચ દરમિયાન બોલિંગ કરતી વખતે પંડ્યાને ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. પહેલા એવી આશા હતી કે ભારતીય ટીમની છેલ્લી લીગ મેચ કે સેમીફાઈનલ કે ફાઈનલ પહેલા હાર્દિક ફિટ થઈ જશે, પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તે વર્લ્ડ કપ 2023માં કોઈ મેચ નહીં રમે. તેમના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં અજેય રહી છે. ટીમ ઈન્ડિયાએ તેની તમામ 7 મેચ જીતી છે. હવે ટીમ ઈન્ડિયાએ 5મી નવેમ્બરે દક્ષિણ આફ્રિકા અને 12મી નવેમ્બરે નેધરલેન્ડ સામે બાકીની લીગ મેચ રમવાની છે. આ પછી સેમિફાઇનલ (15 કે 16 નવેમ્બર)ના રોજ રમાશે છે. ત્યારબાદ 19મી નવેમ્બરે વર્લ્ડ કપની ફાઈનલ રમાશે.
આવી સ્થિતિમાં, હાર્દિકની ગેરહાજરીને કારણે ભારતીય ટીમને મોટી ખોટ પડશે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બોલિંગ અને બેટિંગમાં ભારતીય ટીમને સંતુલન આપે છે. જોકે આ વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન સામાન્ય રહ્યું હતું, તેણે વર્લ્ડકપની ત્રણ મેચમાં બોલિંગ કરતા કુલ 5 વિકેટ ઝડપી હતી, તેને ઓસ્ટ્રેલિયા સામેની એક જ મેચમાં બેટિંગ કરવાની તક મળી હતી, જેમાં તે 11 રન બનાવીને અણનમ રહ્યો હતો. બાંગ્લાદેશ સામેની ચોથી મેચમાં તેની પહેલી ઓવર ફેંકતા ત્રીજા બોલ પર જ તે ઈજાગ્રસ્ત થયો હતો અને મેદાન બહાર જવું પડ્યું હતું બાદમાં વિરાટ કોહલીએ ત્રણ બોલ ફેંકી ઓવર પૂરી કરી હતી.