…તો લાડકી યોજનાઓ બંધ કરાવીશુંઃ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની શા માટે કાઢી ઝાટકણી, જાણો?
નવી દિલ્હી: છ દાયકાથી પણ વધુ સમયથી ખાનગી જમીન કબજે કરવા બદલ અરજદારને વળતર નહીં આપવામાં આવશે તો ‘લાડકી બહેન’, ‘લાડકા ભાઉ’ જેવી યોજનાઓ બંધ કરાવાનો નિર્દેશ આપીશું, એવી ચેતવણી સુપ્રીમ કોર્ટે બુધવારે મહારાષ્ટ્ર સરકારને આપી હતી.
મહારાષ્ટ્ર સરકાર પાસે આવી યોજનાઓ પાછળ ઉડાવવા માટે નાણાં છે, પણ જેની જમીન ગેરકાયદે કબજે કરવામાં આવી છે તેને વળતર આપવા માટે પૈસા નથી, એમ સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં રાજ્ય સરકારની ટીકા કરી હતી.
રાજ્ય સરકારનું આવું વલણ ‘આદર્શ રાજ્ય’ તરીકેનું નથી, એવું નિરીક્ષણ કરતા કોર્ટે ચેતવણી આપી હતી કે વળતરના નાણાં ચૂકવવામાં નહીં આવશે ત્યાં સુધી ઉક્ત યોજનાઓ બંધ કરાવવા માટે અમે નિર્દેશ આપી શકીએ છીએ.
રાજ્ય સરકાર ૩૭.૪૨ કરોડ વળતર આપવા તૈયાર છે, પરંતુ અરજદારના વકીલે દલીલ કરી હતી કે રૂ. ૩૧૭ કરોડનું વળતર મળવું જોઇએ. આ દરમિયાન રાજ્ય સરકારના વકીલે કોર્ટને અરજી કરી હતી કે ત્રણ અઠવાડિયાનો સમય આપવામાં આવે જેથી ઉચ્ચ સ્તરે આ અંગે વિચારણા કરી શકાય અને રેડી રેકનર પ્રમાણે વળતરની ચોક્કસ ગણતરી કરવા માટે અમુક પ્રક્રિયાને અનુસરવાનું પણ જરૂરી છે.
આ પણ વાંચો: ‘લાડકી બહેન યોજના’ અંગે રવિ રાણાનું વિવાદાસ્પદ નિવેદન, સુપ્રિયા સુળેએ કરી ટીકા
‘અમે ત્રણ અઠવાડિયાનો સમય આપીએ છીએ અને અમે જ્યાં સુધી પરવાનગી નહીં આપીએ ત્યાં સુધી રાજ્યમાં આર્થિક રાહત આપતી યોજનાઓને અમલમાં નહીં મૂકવી જોઇએ, નહીં તો અમે ‘લાડકી બહેન’, ‘લાડકા ભાઉ’ યોજનાઓ બંધ કરાવીશું’, એમ સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું હતું.
.કોર્ટે નોંધ્યું હતું કે અરજદારની જમીનનો કબજો રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદે લેવામાં આવ્યો હતો અને ત્યાર બાદ આ જમીન આર્મામેન્ટ રિસર્ચ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ (એઆરડીઇઆઇ)ને આપવામાં આવી હતી.
રાજ્ય સરકારની દલીલથી અમે સંતુષ્ટ નથી. આવી બાબતોમાં સરકાર ઇચ્છે તો ૨૪ કલાકમાં નિર્ણય લઇ શકે છે, પરંતુ યોગ્ય વળતર આપવા બાબતે નિર્ણય લેવા માટે અમે થોડો વધુ સમય આપી રહ્યા છીએ, એમ કોર્ટે કહ્યું હતું અને સુનાવણી ૨૮મી ઑગસ્ટ સુધી મુલતવી રાખી હતી.
(પીટીઆઇ)