જરદારીને હટાવીને આસિમ મુનીરને રાષ્ટ્રપતિ બનાવશે પાકિસ્તાન? શાહબાજ શરીફે આપ્યો જવાબ

ઇસ્લામાબાદ: તાજેતરમાં થયેલા ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં થયેલા યુદ્ધવિરામ બાદ પાકિસ્તાને પોતાના સેના પ્રમુખ આસિમ મુનીરને ફિલ્ડ માર્શલ પદવી આપી હતી. ત્યારબાદ આસિમ મુનીરને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બનાવાશે એવી અટકળો પણ વહેતી થઈ હતી. જેને લઈને પાકિસ્તાનના રાજકીય વિશ્લેષકોએ અનેક તર્ક-વિતર્ક લગાવ્યા હતા. પરંતુ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાજ શરીફે આસિમ મુનીરને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બનાવવાની અટકળોનો અંત આણ્યો છે.
રાષ્ટ્રપતિ બદલવાની અફવાઓનો જવાબ
આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે વાતચીત કરતા પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાજ શરીફે જણાવ્યું કે, “ફિલ્ડ માર્શલ આસિમ મુનીરે ક્યારેય રાષ્ટ્રપતિ બનવાની ઈચ્છા વ્યક્ત કરી નથી અને ન તો આ પ્રકારની યોજના બનાવી છે. આસિફ અલી જરદારી અને આસિમ મુનીર વચ્ચે પરસ્પર આદર અને પાકિસ્તાનની પ્રગતિના ધ્યેય પર આધારિત મજબૂત સંબંધ છે.”
શાહબાજ શરીફના નિવેદન પહેલા જ પાકિસ્તાનના ગૃહ પ્રધાન મોહસિન નકવી પણ આ અંગે સ્ષ્ટતા કરી ચૂક્યા હતા. ગુરૂવારે તેમણે પોતાની એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે, “જરદારી, શરીફ અને મુનીર વિરૂદ્ધ જે દુષ્પ્રચારનું અભિયાન ચાલી રહ્યું છે, તેની પાછળ દુશ્મન વિદેશી તાકતોનો હાથ છે. અમે જાણીએ છીએ કે આ અભિયાન કોણ ચલાવી રહ્યું છે. મેં સ્પષ્ટ કરી દીધું છે કે, રાષ્ટ્રપતિ પાસે રાજીનામું માંગવાની કોઈ વાત થઈ નથી. કેટલીક વિદેશી એજન્સીઓના સહયોગથી આ પ્રકારનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, જેથી પાકિસ્તાનને અસ્થિર કરી શકાય.”
આપણ વાંચો: અમેરિકા, જાપાન અને દ.કોરિયાએ કર્યો સંયુક્ત યુદ્ધ અભ્યાસ, રશિયાએ આપી ચેતવણી, જાણો શું કહ્યું?
માર્ચ 2024માં આસિફ અલી જરદારીને પાકિસ્તાનના 14માં રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. આ પદ તેઓને શાહબાજ શરીફને વડા પ્રધાન બનાવવાનું સમર્થન કરવા બદલ આપવામાં આવ્યું છે. આ અગાઉ પણ પાકિસ્તાનના 11માં રાષ્ટ્રપતિ તરીકે પણ રહી ચૂક્યા છે. આસિમ મુનીર 27 નવેમ્બર 2022 ના રોજ નિવૃત્ત થવાના હતા. પરંતુ પાકિસ્તાન સરકારે તેઓને ત્રણ વર્ષ માટે સેના પ્રમુખ બનાવ્યા હતા.