ટોપ ન્યૂઝનેશનલ

વરસાદે હિમાચલ પ્રદેશમાં ભારે તારાજી સર્જી, 37 લોકોના મોત, ₹400 કરોડનું નુકસાન

મંડી: છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન ઉત્તર ભારતના પર્વતીય રાજ્ય હિમાચલ પ્રદેશમાં પૂરને કારણે તારાજી સર્જાઈ છે. આ વર્ષે પણ સતત પડી રહેલા વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બની છે અને કિનારા તોડીને વહી (Flood in Himachal Pradesh) રહી છે, આ ઉપરાંત ઠેરઠેર ભૂસ્ખલનને કારણે પણ ભારે નુકશાન થયું છે. અહેવાલ મુજબ રાજ્યમાં 37 લોકોના મોત થયા છે અને રાજ્યમાં વ્યાપક વિનાશ સર્જાયો છે. હિમાચલ પ્રદેશ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના જણાવ્યા અનુસાર, 400 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિને નુકસાન થયું છે, અને બચાવ કામગીરી ચાલી રહી છે, મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ 7 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. કેટલાક પ્રદેશોમાં ભારે વરસાદ પાડવાની શક્યતા છે. ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાને સૌથી વધુ અસર પહોંચી છે. મંડીના થુનાગ સબડિવિઝનમાં વિનાશ સર્જાયો છે, જ્યાં રોડ-રસ્તા ધોવાઈ ગયા છે, અને વીજળી અને પાણીના પુરવઠા જેવી જીવનજરૂરીયાત સર્વિસ ખોરવાઈ ગઈ છે.

રાજ્યમાં સંપતિને ભારે નુકશાન:

સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના વરિષ્ઠ અધિકારીએ એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, “અમારી સિસ્ટમમાં નોંધાયેલા મુજબ અત્યાર સુધીમાં ₹400 કરોડથી વધુનું નુકસાન થયું છે. પરંતુ વાસ્તવિક નુકસાન ઘણું વધારે હોવાની શક્યતા છે. હાલમાં અમારું પ્રાથમિક ધ્યાન સર્ચ, રેસ્ક્યુ અને રિસ્ટોરેશન પર છે.”

હિમાચલમાં છેલ્લા ઘણા વર્ષોથી આવતા પુરને ક્લાઈમેટ ચેન્જ સાથે જોડતા અધિકારીએ જણાવ્યું, “આ ઘટનાઓ ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનનું પરિણામ છે, હિમાચલ આ અસરોથી બાકાત નથી.”

મંડી અને શિમલામાં ભારે તારાજી:

અધિકારીઓને જણાવ્યા મુજબ મંડીમાં એક ગામ સંપૂર્ણ રીતે નાશ પામ્યું છે. રાજ્યમાં મૃત્યુ આંક વધે એવી શક્યતા છે, કેમ કે માત્ર મંડીમાં જ 40 લોકો ગુમ થયાના અહેવાલ છે. હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અસરગ્રસ્તો માટે રાહત શિબિરો શરુ કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારતીય વાયુસેના દ્વારા હવાઇ માર્ગે ફૂડ પેકેટ મોકલવામાં આવી રહ્યા છે.

સતત ધોધમાર વરસાદને કારણે શિમલામાં પણ સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શાળાઓને ભારે અસર થઈ છે, વર્ગખંડો પાણીમાં ડૂબી ગયા છે.

સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન:

રાજ્યભરમાં, 250 થી વધુ રસ્તાઓ બ્લોક થઇ ગયા છે, 500 થી વધુ વીજળી ટ્રાન્સફોર્મર સર્વિસ બંધ છે, અને પીવાના પાણીની લગભગ 700 યોજનાઓને અસર થઈ છે. સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ, હોમગાર્ડ્સ, SDRF અને NDRF સહિત કેન્દ્રીય દળોની ટીમો સાથે મળીને સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. આગામી દિવસોમાં રાજ્યમાં વધુ વરસાદ પડવાની શક્યતા હોવાથી અધિકારીઓ હાઈ એલર્ટ પર છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

આપણ વાંચો:  અમૃતસર જામનગર એક્સપ્રેસવેની બિસ્માર હાલતનો વીડિયો વાયરલ: ગડકરીની મોટી કાર્યવાહી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button