બ્રિજભૂષણ શરણ સિંહે કેમ કહ્યું કે તો શું મારે મારી જાતને ફાંસી આપી દેવી જોઈએ…..
નવી દિલ્હી: ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના વિશ્વાસુ સંજય સિંહની રેસલિંગ ફેડરેશનમાં જીત બાદ બ્રિજભૂષણ સિંહે કહ્યું હતું કે કોંગ્રેસના ખોળામાં બેઠેલા આ કુસ્તીબાજોની સાથે દેશનો એક પણ કુસ્તીબાજ નથી, હવે શું તેમના વિરોધને કારણે મને ફાંસી આપવામાં આવે?
ભારતીય કુસ્તી સંઘની ચૂંટણીમાં બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહની જીત બાદ કુસ્તીબાજોએ પત્રકાર પરિષદ યોજીને પોતાની નિરાશા વ્યક્ત કરી હતી. આ પછી રિયો ઓલિમ્પિક મેડલ વિજેતા રેસલર સાક્ષી મલિક, જેણે બ્રિજ ભૂષણ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો, તેણે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. જ્યારે બજરંગ પુનિયાએ પોતાનો પદ્મ પુરસ્કાર વડા પ્રધાન નિવાસની બહાર ફૂટપાથ પર છોડી દીધો હતો. હવે બ્રિજ ભૂષણ શરણ સિંહે કુસ્તીબાજોના વિરોધને લઈને તીખી પ્રતિક્રિયા આપી છે.
સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે હું પહેલાથી જ કહી રહ્યો હતો કે કુસ્તીબાજો જે પણ કરી રહ્યો છે તે રાજનીતિથી પ્રેરિત છે, તે મને નીચો પાડવા ઈચ્છતા હતા. મારી વાત કોઈએ સાંભળી નહી. હું કોઈના વિરોધને કારણે રાજકારણ છોડી શકતો નથી. કોર્ટની દેખરેખમાં ચૂંટણી થઈ છે, જો તેઓ રાજકીય રીતે વિરોધ કરતા હોય તો કરતા રહો. સાક્ષીના નિવૃત્તિના નિર્ણય પર બ્રિજભૂષણ સિંહે કહ્યું હતું કે જો કુસ્તીબાજો હવે વિરોધ કરી રહ્યા છે અથવા સાક્ષીએ કુસ્તીને અલવિદા કહી દીધું છે, તો આમાં હું શું કરી શકું, અમે તેની શું મદદ કરી શકીએ,
ઉલ્લેખનીય છે કે ફેડરેશનના નવા પ્રમુખ સંજય સિંહ જૂના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ખૂબ નજીક છે. તેમની જીત બાદ કુસ્તીબાજોનું કહેવું છે કે બ્રિજભૂષણના નજીકના મિત્ર પ્રમુખ બન્યા પછી ન્યાય મેળવવાની તેમની આશા વધુ ઓછી થઈ ગઈ છે.
જો કે મહિલા કુસ્તીબાજોના જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા બ્રિજભૂષણે ખાતરી આપી હતી કે નવા પદાધિકારીઓ નિષ્પક્ષતાથી કામ કરશે. આ નિવેદન બાદ રિયો ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી રમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરતા કહ્યું હતું કે તે ભૂતપૂર્વ WFI ચીફનું સમર્થન ધરાવતા કોઈની અધ્યક્ષતામાં સ્પર્ધા કરશે નહીં.