ફરી બિહારની રાજનીતિમાં ભૂકંપના એંધાણ, માંઝી શું બોલી ગયા નીતિશ વિશે | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

ફરી બિહારની રાજનીતિમાં ભૂકંપના એંધાણ, માંઝી શું બોલી ગયા નીતિશ વિશે

પટણાઃ હવે કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી દ્વારા નીતિશ કુમારને લઈને આપેલા નિવેદનને લઈને બિહારમાં રાજકારણ ગરમાયું છે. જ્યારે ભાજપે માંઝીનો બચાવ કર્યો છે, તો જેડીયુએ કહ્યું કે તેમના નિવેદનને તોડવા મરોડવામાં આવી રહ્યું છે. જ્યારે આરજેડીના નેતાએ પણ ઝંપલાવતા દાવો કરી દીધો છે કે બિહારમાં નીતિશની ખુરશી જોખમમાં છે.

હિન્દુસ્તાની અવમ મોરચાના પ્રમુખ અને એનડીએમાં સામેલ કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી દ્વારા નીતિશ કુમારને અંગે આપેલા નિવેદન બાદ બિહારનું રાજકારણ ગરમાયું છે. એક કાર્યક્રમ દરમિયાન જીતન રામ માંઝીએ કહ્યું કે જ્યારે તેઓ મહાગઠબંધનમાં હતા ત્યારે નીતિશ કુમારે તેમને તેમની પાર્ટીનો વિલય કરી પોતાના પક્ષમાં ભળી જવા કહ્યું હતું અને જો આમ ન કરે તો ગઠબંધન છોડવાની ધમકી પણ આપી હતી અને એમ પણ કહ્યું હતું કે પાર્ટી ચલાવવા લોકો અને પૈસાની જરૂર પડે છે.

માંઝીએ પછી કહ્યું કે હવે મારો પક્ષ ચાલવાને બદલે દોડે છે. હું અને મારો દીકરો કેન્દ્રમાં છીએ.

હવે આ નિવેદન બાદ બિહારની બે સત્તાધારી પાર્ટી જેડીયુ અને ભાજપ આમનેસામને આવી ગયા છે. જેડીયુએ માંઝીના નિવેદનને તોડી મરોડી રજૂ કરવાનો આક્ષેપ કર્યો છે જ્યારે ભાજપે માંઝીનો પક્ષ લેતા કહ્યું છે કે કોઈ પક્ષ બનાવે તો તે આગળ વધતો જ હોય છે. તો લાલુની આરજેડી આ બધાની મજા લઈ રહી છે.

ભાજપના પ્રદેશ પ્રવક્તા પ્રેમ રંજન પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ પક્ષ બનશે તો તે પક્ષ ટકી રહેશે, જીતનરામ માંઝી કેન્દ્ર સરકારમાં મંત્રી છે, તેમનો પુત્ર બિહાર સરકારમાં મંત્રી છે, બિહારમાં પાર્ટી ટકી રહી છે. જીતન માંઝી અને તેમની પાર્ટીને એનડીએમાં સાથે રહેવાનો ફાયદો મળ્યો છે અને અમને આશા છે કે માંઝી ભવિષ્યમાં પણ એનડીએમાં જ રહેશે. તેનાથી તેમની પાર્ટી મજબૂત થશે અને તેમનું ગઠબંધન પણ મજબૂત થશે.

Back to top button