મુખ્ય પ્રધાન પસંદગીની ભાજપની આખરે ફોર્મ્યુલા શું છે? પક્ષમાં કદ વધ્યું તો ગયા.. એમ?
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં મોહન, છત્તીસગઢમાં વિષ્ણુ અને રાજસ્થાનમાં ભજન! અંતે ત્રણેય રાજ્યમાં ભાજપે પક્ષ (ભારતીય જનતા પાર્ટી)એ ત્રિપુટીની જાહેરાત કરી દીધી છે, સાથે સાથે વોટબેંકના સમીકરણો જાળવી રાખવા બબ્બે ડેપ્યુટી સીએમની પણ નિમણૂક કરી દીધી છે. જો કે જે પ્રકારે સાવ કલ્પના બહારના લોકોને મુખ્ય પ્રધાનનું પદ આપવામાં આવ્યું છે, તેના પરથી આખા દેશમાં મોદી-શાહની કાર્યશૈલીની ખૂબ ચર્ચા થઇ રહી છે. વિરોધ પક્ષ દ્વારા ટીકાઓ પણ થઇ રહી છે, પરંતુ ભાજપને તો આલોચનાઓની કોઇ ચિંતા નથી.
મોદી-શાહ ક્યારેય દબાણમાં આવીને નિર્ણય લેતા નથી. કોઇ પણ નેતા ગમે એટલા કદાવર કેમ ન હોય, પક્ષથી મોટું કોઇ નથી. ત્રણેય રાજ્યમાં મુખ્ય પ્રધાન જે વ્યક્તિઓને બનાવવામાં આવ્યા તે તમામ પાર્ટી હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા હતા. કોને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે તો જનસમર્થન વધુ મળશે? પક્ષની કસોટીઓમાંથી જે કોઇ પણ નેતા પાર ઉતરે તેના ભલભલા દાગ ધોવાઇ જાય છે.
ભાજપમાં નેતાઓએ હવે સમજી જવું જોઇએ કે પોલિટિકલ શો કરવાને બદલે એક સામાન્ય કાર્યકર્તાની જેમ કાર્ય કરો તો જ ખુરશી મળશે. પીઆર એજન્સી કે ઇમેજ બ્રાન્ડિંગમાં પુષ્કળ પૈસાનો ખર્ચ કરવા કરતા લો પ્રોફાઇલ રહીને નેતાઓની નજીક બનીને રહેવામાં જ શાણપણ છે, કારણ કે પાર્ટી હાઇકમાન્ડને જરા પણ શંકા જાય કે કોઇ નેતા તેમના સમાંતર થઇ રહ્યો છે, તો તેનું પદ જોખમમાં આવી શકે છે.
હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર, ઝારખંડના પૂર્વ સીએમ રઘુબીર દાસ, બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તારાકિશોર પ્રસાદને કોઇ જ ઓળખતું નહોતું, પરંતુ ભાજપે તેમની ગ્રાઉન્ડ પરની કામગીરી, લોકો સાથેનો મનમેળ આ બધું જોઇને જાતિગત પરિબળોના આધારે તેમને મોટાં પદ આપ્યા.
મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ લાડલી બહેના યોજના લાવ્યા, એ પછી મોટભાગના લોકોએ કહ્યું હતું કે આ યોજનાને કારણે જ ભાજપને જીત મળી. જો કે ભાજપે શિવરાજને જશ લેવા દીધો જ નથી. કૈલાશ વિજયવર્ગીયએ પણ કહ્યું હતું કે જે યોજના આખા રાજ્યમાં ચાલી ગઇ એને છિંદવાડામાં કેમ પ્રતિસાદ ન મળ્યો? શું છિંદવાડામાં બહેનો નહિ હોય? છત્તીસગઢ અને રાજસ્થાનમાં તો સત્તા નહોતી, તેમ છતાં જીતી ગયા. કઇ રીતે શક્ય બન્યું?
”જેની જેટલી વસ્તી એની એટલી ભાગીદારી” આ વાતો વિપક્ષ કરતું રહ્યું, પરંતુ ખરેખરો અમલ ભારતીય જનતા પાર્ટીએ કર્યો. જો તમારી જાતિ રાજકારણ પર પ્રભાવ પાડી ન શકે તો તમે ભલે પીએમ મોદી કે અમિત શાહના ખાસ વ્યક્તિ હોવ, તમારી વેલ્યુ ઝીરો જ છે. રાજ્યપાલ, ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ જેવા પદો પર પણ જાતિને આધારે નિમણૂક કરવામાં આવી છે.
જે જાતિના મત લેવાના હોય તે જાતિના માણસને પદ આપી દેવાનું. રામનાથ કોવિંદની રાષ્ટ્રપતિ પદે નિમણૂક કરીને ભાજપે યુપીમાં દલિત વોટબેંક મેળવી લીધી. એ પછી દ્રૌપદી મૂર્મુ આદિવાસી+મહિલાનું કોમ્બો પેક હોવાથી તેમને આ પદ સોંપી દેવાયું. જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ બનાવીને રાજસ્થાન-હરિયાણાના જાટ લોકો માટે પ્રતિનિધિ ઊભા કરી દેવાયા. લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપને આ ફોર્મ્યુલા કેટલી બેઠકો પર લાભ અપાવે છે તે હવે જોવાનું રહેશે.