વિશ્વ વિખ્યાત રોકાણકાર વોરેન બફેટની કંપની બર્કશાયર હેથવે પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સ લિમિટેડમાંથી પોતાનો સંપૂર્ણ હિસ્સો ઓપન માર્કેટમાં વેચી દીધો છે. બર્કશાયર હેથવેએ વન 97 કોમ્યુનિકેશન્સમાં તેનો સંપૂર્ણ 2.5 ટકા હિસ્સો ઓપન માર્કેટમાં વેચી દીધો છે. આ ડીલમાંથી બર્કશાયરને રૂ. 1,371 કરોડ મળ્યા છે. ગઈ કાલે પેટીએમનો શેર 3.23 ટકા ઘટીને રૂ. 893 થયો હતો.
ઉલ્લેખનીય છે કે બર્કશાયર હેથવેએ 5 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2018માં Paytmમાં 2200 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. સુત્રોના જણાવ્યા મુજબ Paytm પર દાવ લગાવવો એ વોરેન બફેટ માટે ખોટનો સોદો સાબિત થયો અને બર્કશાયરને લગભગ રૂ. 507 કરોડનું નુકસાન થયું.
5 વર્ષના રોકાણ પછી, બર્કશાયર હેથવેએ 1.56 કરોડ શેર (2.5 ટકા હિસ્સો) રૂ 877.29 પ્રતિ શેરના ભાવે વેચ્યા. ઘિસલ્લો માસ્ટર ફંડ અને કોપથલ મોરિશિયસ ઇન્વેસ્ટમેન્ટે આ હિસ્સો ખરીદ્યો છે. આ બે સંસ્થાઓએ Paytm ના અનુક્રમે 42,75,000 અને 75,75,529 શેર ખરીદ્યા છે. શેરહોલ્ડિંગ ડેટા અનુસાર, સપ્ટેમ્બરના અંતે બર્કશાયર પાસે કંપનીમાં 1,56,23,529 શેર હતા. આ શેર્સ અનુસાર, Paytmમાં બર્કશાયરનો હિસ્સો લગભગ 2.5 ટકા હતો.
બર્કશાયર પહેલાં, સોફ્ટબેંક છેલ્લા કેટલાક મહિનાઓથી નિયમિતપણે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા નાના તબક્કામાં શેરનું વેચાણ કરી રહી છે.