કુસ્તીબાજ વિનેશ ફોગાટના કેસમાં આજે રાત્રે 9.30 વાગ્યે ફેંસલો
પૅરિસ: ઑલિમ્પિક્ ગેમ્સમાં કુસ્તીના 50 ગ્રામ ફ્રીસ્ટાઇલ વર્ગની ફાઇનલ પહેલાં માત્ર 100 ગ્રામ વજનના ફરકને લીધે ડિસ્ક્વૉલિફાય કરવામાં આવેલી ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટનો ઑલિમ્પિક્સની અદાલતમાં જે કેસ ચાલી રહ્યો છે એની સુનાવણી થયા બાદ હવે આજે રાત્રે સ્થાનિક સમય મુજબ સાંજે 6.00 વાગ્યે (ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 વાગ્યે) ચુકાદો આપવામાં આવશે.
આ કેસ કોર્ટ ઑફ આર્બીટ્રેશન ફૉર સ્પોર્ટ (સીએએસ)માં ચાલે છે. જો ફેંસલો વિનેશ ફોગાટની તરફેણમાં આવશે તો કદાચ તેને જોઇન્ટ સિલ્વર મેડલ વિજેતા ઘોષિત કરવામાં આવશે અને તેની ફેવરમાં નહીં આવે તો તેણે ખાલી હાથે ભારત પાછા આવવું પડશે.
વિનેશ ફોગાટે દલીલ કરી છે કે તેણે શરીરના વજનની બાબતમાં કોઈ પ્રકારની છેતરપિંડી કે ચાલાકી નથી કરી અને તેનું વજન જે રીતે 100 ગ્રામ વધુ બતાવાયું હતું એ તો શારીરિક પ્રક્રિયાનો જ એક ભાગ ગણાય.
ભારત અત્યાર સુધીમાં કુલ છ મેડલ જીત્યું છે જેમાં પાંચ બ્રૉન્ઝ અને એકમાત્ર સિલ્વર (નીરજ ચોપડા) છે. જો વિનેશને પણ સિલ્વર મળશે તો ભારતના ખાતે બે સિલ્વર મેડલ થઈ જશે.
મંગળવારે વિનેશે ઉપરાઉપરી ત્રણ મુકાબલામાં ભાગ લેવો પડ્યો હતો જેને લીધે તેનું વજન ઘટી ગયું હતું અને ત્યાર પછીના કેટલાક કલાકોમાં તેણે જે ખાધું-પીધું એને લીધે વજન ફરી વધી ગયું હતું, પરંતુ ફાઇનલ પહેલાં જરૂરી વેઇ-ઇનમાં તેનું 50 કિલોના વર્ગમાં નિર્ધારિત વજન કરતાં 100 ગ્રામ વધુ નોંધાતાં તેને ફાઇનલમાંથી ગેરલાયક ઠરાવાઈ હતી.
તેણે ક્યૂબાની યુસ્નેલિસ નામની જે રેસલરને સેમિ ફાઇનલમાં હરાવી હતી તેને ફાઇનલમાં જવું મળ્યું હતું, પરંતુ ફાઇનલમાં અમેરિકાની સારા હિલ્ડેબ્રાન્ટ સામે તે હારી ગઈ હતી. સારાને ગોલ્ડ મળ્યો અને યુસ્નેલિસને સિલ્વર મેડલ અપાયો હતો.