નવી દિલ્હી: આંધ્ર પ્રદેશના વિજયનગરમ જિલ્લા(Vijaynagar) ના કંટકપલ્લી પાસે 29 ઓક્ટોબર, 2023ના રોજ બે ટ્રેનોની અથડામણને કારણે સર્જાયેલી દુર્ઘટના(Train accident)ના 14 લોકોના મોત થયા હતા. એક કાર્યક્રમ દરમિયાન આ ઘટના અંગે રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે એક ટ્રેનના પાઈલટ અને આસિસ્ટન્ટ પાઈલટ તેમના ફોન પર ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા. આ બેદરકારીના કારણે અકસ્માતમાં સર્જાયો હતો. ગત વર્ષે 29 ઓક્ટોબરના રોજ સાંજે 7 વાગ્યે, રાયગડા પેસેન્જર ટ્રેને આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના કંટકપલ્લી ખાતે હાવડા-ચેન્નઈ લાઇન પર વિશાખાપટ્ટનમ પલાસા ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં 14લોકોના મોત થયા હતા અને 50 થી વધુ લોકો ઘાયલ થયા છે. રેલ્વે પ્રધાને શનિવારે આંધ્ર ટ્રેન દુર્ઘટનાનો ઉલ્લેખ કરતા ભારતીય રેલવે જે નવા સુરક્ષા પગલાઓ પર કામ કરી રહી છે તેની વાત કરી હતી. રેલ્વે પ્રધાને કહ્યું કે, “આંધ્રપ્રદેશમાં ઘટના એટલા માટે બની કારણ કે લોકો પાઇલટ અને કો-પાયલટ બંને ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા, જેને કારણે તેમનું ધ્યાન ભટક્યું હતું. હવે અમે એવી સિસ્ટમ લાવી રહ્યા છીએ જે આવા કોઈપણ વિક્ષેપને અટકાવી શકાય અને એ ખાતરી કરી શકાય કે પાઈલટ અને કો-પાઈલટ બંને ટ્રેનના સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.” તેમણે કહ્યું કે, “અમે સુરક્ષા પર ધ્યાન આપવાનું ચાલુ રાખીશું. અમે દરેક ઘટનાના મૂળ કારણને શોધવાનો પ્રયાસ કરીએ છીએ અને અમે ઉકેલ પણ લાવીએ છીએ, જેથી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય.” જો કે કમિશનર ઓફ રેલ્વે સેફ્ટી (CRS) દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસ રિપોર્ટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ અકસ્માતના એક દિવસ પછી રેલ્વેની પ્રાથમિક તપાસમાં રાયગડા પેસેન્જર ટ્રેનના ડ્રાઈવર અને આસિસ્ટન્ટ ડ્રાઈવરને અકસ્માત માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા. તેમણે નિયમોના ઉલ્લંઘન કરી બે ખામીયુક્ત ઓટો સિગ્નલ પાસ કરી દીધા હતા. આ દુર્ઘટનામાં બંને ક્રૂ મેમ્બરના મોત થયા હતા.
Taboola Feed