દહેરાદુન: ઉત્તરાખંડના ઉત્તરકાશીના સિલ્ક્યારા પાસે ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન અંતિમ તબક્કામાં છે. જોકે શુક્રવારની સાંજે ડ્રિલિંગ દરમિયાન મશીન તુટી જવાના કારણે કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમ હવે કામદારોને બહાર કાઢવા માટે નવી વ્યૂહરચના પર પણ વિચાર કરી રહી છે. ત્યારે સુત્રોના જણાવ્યા મુજબ ટનલની અંદર ત્રણ મજૂરોની તબિયત લથડી છે. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર ધામી બચાવ અભિયાનની સમીક્ષા કરવા ફરી ઉત્તરકાશી પહોંચ્યા છે.
સુત્રોના જણાવ્યા મુજબ બીમાર કામદારો માટે ડોક્ટરે પાઇપ વડે જરૂરી દવાઓ આપી, ત્રણ મજૂરોએ માથાનો દુખાવો, ઉલ્ટી અને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી. કેટલાક કામદારોએ જમવાનું બંધ કરી દીધું છે, સવારથી કામદારોએ કંઈ ખાધું નથી, કામદારો તણાવમાં છે, તાત્કાલિક ત્રણ મનોચિકિત્સકોને સ્થળ પર મોકલવામાં આવ્યા છે જેઓ હવે કામદારો સાથે વાત કરશે.
સિલ્ક્યારા ટનલ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા આંતરરાષ્ટ્રીય ટનલિંગ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સે જણાવ્યું હતું કે બચાવની અનેક પદ્ધતિઓ છે. આ માત્ર એક જ રસ્તો નથી. હાલમાં, બધું બરાબર છે. ઓગર મશીન તૂટી ગયું છે. આ હવેએ કામ નહીં કરે. અન્ય રસ્તા શોધવામાં આવી રહ્યા છે.
બીજી તરફ કામદારોના સંબંધીઓની ધીરજ ખૂટી રહી છે. ઘટના સ્થળ પર હાજર એક કામદારના સંબંધીએ જણાવ્યું હતું કે હું અહીં નવ દિવસથી છું. દરરોજ અધિકારીઓ કહે છે કે આજે તેઓ બહાર આવશે, ધીરજ રાખો, પરંતુ એવું થઈ રહ્યું નથી. હવે અમને ચિંતા થઇ રહી છે.
ખૂબ જ નજીક પહોંચ્યા બાદ બચાવ કામગીરી અટકી પડી છે. 48-49 મીટર સુધી ડ્રિલિંગ કર્યા પછી, ઓગર મશીનની સામે એક મોટું લોખંડનું માળખું આવી ગયું હતું. ઓગર મશીનનો આગળનો ભાગ જે ટનલમાં ડ્રિલિંગ કરતી વખતે ફસાઈ ગયો હતો, હવે તેને કાપીને બહાર કાઢવામાં આવી રહ્યો છે. હવે મેન્યુઅલી પાઇપની અંદર જઇને કાટમાળ હટાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. પાઇપની અંદરનો કાટમાળ મેન્યુઅલી હટાવવા માટે દિલ્હીથી એક ટીમ આવી છે.
SJVN અને ONGCની ટીમો સિલ્ક્યારા ટનલની ઉપરની ટેકરી પર પહોંચી ગઈ છે. ડ્રિલિંગ મશીન આવતાની સાથે જ વર્ટિકલ ડ્રિલિંગનું કામ શરૂ થઈ જશે.