યુએસએ કોઈ સ્પષ્ટતા વગર ભારતીય વિદ્યાર્થીઓ પરત મોકલી રહ્યું છે, જાણો શું કહ્યું ભારત સરકારે

નવી દિલ્હી: ભારતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યુએસએ ભણવા (Indian Students in USA) જવા તૈયારીઓ કરી રહ્યા છે, એવામાં ભારતના વિદેશ મંત્રાલયે એક ચોંકાવનારો અહેવાલ આપ્યો છે. અહેવાલ મુજબ યુનાઇટેડ સ્ટેટ્સમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને કોઈપણ કારણ આપ્યા વિના પાછા મોકલવામાં આવી રહ્યા છે. યુ.એસ.એ છેલ્લા 3 વર્ષમાં 48 વિદ્યાર્થીઓને ભારત પાછા મોકલ્યા છે અને તેમને પાછા મોકલવા માટે કોઈ કારણ પણ નથી આપ્યું. શુક્રવારે સંસદમાં વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિ વર્ધન સિંહ તરફથી આ માહિતી મળી હતી.
તાજેતરમાં ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિવિધ દેશોમાં વિદેશમાં સ્થળાંતર કરી રહ્યા છે જેમાં યુએસ તેમની યાદીમાં પહેલી પસંદ રહે છે. યુએસ પ્રસાશન દ્વારા કેટલાક વિદ્યાર્થીઓને કોઈપણ સમજૂતી વિના તેમના વતન પરત મોકલી દેવામાં આવ્યા હતા. આ મુદ્દો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે શુક્રવારે લોકસભામાં બી.કે. પાર્થસારથી દ્વારા તેમણે વિદેશ મંત્રાલયને છેલ્લા ત્રણ વર્ષમાં યુએસએ દ્વારા દેશનિકાલ કરાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા માટે પૂછ્યું.
તેમણે એ પણ પૂછ્યું કે શું સરકાર પાસે સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને યુ.એસ.માં થયેલા ગેરકાયદેસર સ્થળાંતર વિશે કોઈ ડેટા છે અને જો છે તો સરકારે શું પગલાં લીધાં છે?
લોકસભામાં સત્ર દરમિયાન હાજર રહેલા કીર્તિ વર્ધન સિંહે જવાબ આપ્યો કે છેલ્લા 3 વર્ષમાં 48 કેસ એવા છે કે જેમાં ભારતીય નાગરિકતા ધરાવતા વિદ્યાર્થીઓને પાછા મોકલવામાં આવ્યા હતા પરંતુ યુએસ તરફથી સત્તાવાર રીતે ભારત સરકાર સાથે કોઈ કારણો શેર કરવામાં આવ્યા નથી
તેમણે ભારતીય વિદ્યાર્થીઓના દેશનિકાલના સંભવિત કારણો સમજાવ્યા હતા. તેમણે જણાવ્યું કે અનધિકૃત રોજગાર, વર્ગોમાં લાંબી ગેર હાજરી, સસ્પેન્શન, અને ઓપ્શનલ પ્રેક્ટીકલ ટ્રેનીંગ(OPT), રોજગારની જાણ કરવામાં નિષ્ફળતા કારણો હોય શકે છે. આ આધારો વિદ્યાર્થીઓના વિઝાની સમાપ્તિ તરફ દોરી શકે છે જે તેમના દેશમાં તેમના રોકાણને ગેરકાયદેસર બનાવે છે.
આગળના પ્રશ્નોના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર તેમના નાગરિકોની લીગલ મોબીલીટીને સરળ બનાવવા માટે દેશો વચ્ચે મજબૂત સંબંધો પર કામ કરી રહી છે. સરકાર ગેરકાયદેસર સ્થળાંતર સાથે સંકળાયેલા લોકો સામે પણ પગલાં લઈ રહી છે.