ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

અમેરિકી સાંસદોએ ડૉનલ્ડ ટ્રમ્પ સામે ઈનસાઈડર ટ્રેડિંગના આક્ષેપો કર્યા

વૉશિંગ્ટન: અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે (Donald Trump)રેસિપ્રોકલ ટૅરિફના અમલ બાબતે યુ ટર્ન લીધો તે પહેલા લોકોને બજારમાંથી ખરીદી માટે પ્રોત્સાહિત કર્યા હોવાથી ઘણાં અમેરિકી સાંસદોએ પ્રમુખ ટ્રમ્પ ઈનસાઈડર ટ્રેડિંગમાં અથવા તો તેઓ બજારની હેરાફેરીમાં સંડોવાયેલા છે કે નહીં તે અંગે તપાસ કરવાની માગણી કરી છે. કેલિફોર્નિયાના ડેમોક્રેટિક સાંસદ એડમ સ્કિફે એક્સ પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે ટ્રમ્પની ટૅરિફ યોજનાના યુ ટર્ન અંગે વહીવટીતંત્રમાં અગાઉથી કોણ માહિતગાર હતું? જનતાના ખર્ચે શું કોઈએ શેર ખરીદીને નફો કર્યો? જનતાને આ બાબતે જાણવાનો હક છે, એમ તેમણે ઉમેર્યું હતું.

તે જ પ્રમાણે હાઉસ ફાઈનાન્સિયલ સર્વિસીસ કમિટીનાં ડેમોક્રેટિક સભ્યએ એક્સ પ્લેટફોર્મ પર આક્ષેપ મૂકતા કહ્યું હતું કે અમેરિકી પ્રમુખ વિશ્વની સૌથી મોટી બજારમાં હેરાફેરીની યોજનામાં સંડોવાયેલા છે. અત્રે નોંધનીય બાબત એ છે કે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટૅરિફનો અમલ 90 દિવસ મુલતવી રાખવાની જાહેરાતનાં થોડા કલાકો પૂર્વે એવું જણાવ્યું હતું કે સ્ટોકમાં ખરીદી માટેનો આ સમય છે.

તેમના આ નિવેદનનાં થોડા કલાકો પછી ચીન સિવાયના દેશો માટે રેસિપ્રોકલ ટૅરિફનો અમલ 90 દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરી હતી અને શૅરબજારમાં ઉછાળો આવ્યો હતો. ઘણાં દિવસો સુધી ડાઉ જૉન્સમાં પીછેહઠ જળવાઈ રહ્યા બાદ ગત બુધવારે આ જાહેરાત પશ્ચાત વર્ષ 2008 પછીનો સૌથી મોટો 7.87 ટકાનો ઉછાળો આવ્યો હતો અને નાસ્દેકમાં વર્ષ 2001 પછીનો સૌથી મોટો 12.16 ટકાનો ઉછાળો આવ્યો હતો.

આપણ વાંચો:  વિદેશી હૂંડિયામણની અનામતમાં 10.872 અબજ ડૉલરનો ઉછાળો

પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રમ્પે તેનાં સોશિયલ મીડિયાનાં ડીજેટી અક્ષર ધરાવતા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પણ ખરીદીનો આ સમય છે એવી પોસ્ટ મૂકી હતી અને તે દિવસે ટ્રમ્પ મીડિયા ઍન્ડ ટૅક્નોલૉજી જૂથના શૅરના ભાવ 21.67 ટકા ઉછળીને બંધ રહ્યા હતા.

વધુમાં વ્હાઈટ હાઉસ કમ્યુનિકેશન એડવાઈઝર માર્ગો માર્ટિને ગત બુધવારે એક્સ પ્લેટફોર્મ પર એક એવો વીડિયો મૂક્યો હતો જેમાં ટ્રમ્પ તેની ઓવલ ઓફિસમાં સ્ક્વેબ એસેટ મેનેજમેન્ટ કંપનીનાં સ્થાપક અને કૉ ચેરમેન ચાર્લ્સ સ્ક્વેબને આવકારી રહ્યા છે અને ચેમ્પિયન કાર રેસર્સ સાથે સરખાવીને પરિચય આપતા કહે છે આ ચાર્લ્સ સ્ક્વેબ છે, જે ઉંમર 87 વર્ષીય બિલિયોનેર છે અને તેમણે આજે 2.5 અબજ ડૉલર બનાવ્યા છે.

આ સંદર્ભે વ્હાઈટ હાઉસનાં ભૂતપૂર્વ નૈતિક વકીલ રિચર્ડ પેઈન્ટરે જણાવ્યું હતું કે આ તપાસ માટેનો મજબૂત કેસ બને છે અને પ્રમુખ રોકાણ માટેના સલાહકાર ન હોવા જોઈએ. નોંધનીય બાબત એ છે કે રિચર્ડ પેઈન્ટરે ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યુ બુશના વહીવટીતંત્રમાં સેવા બજાવી હતી. દરમિયાન વ્હાઈટ હાઉસનાં પ્રવક્તા કુશ દેસાઈએ વૉશિંગ્ટન પોસ્ટને જણાવ્યું હતું કે મીડિયા દ્વારા સતત ભય ફેલાવવામાં આવી રહ્યા હોવા છતાં બજારો તથા અમેરિકનોને તેમની આર્થિક સુરક્ષા અંગેની બાંયધરી આપવાની જવાબદારી અમેરિકાનાં રાષ્ટ્રપતિની છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button