![Union FM Nirmala Sitharaman introduces Income Tax Bill in Lok Sabha](/wp-content/uploads/2025/02/Union-FM-Nirmala-Sitharaman-introduces-Income-Tax-Bill-in-Lok-Sabh.webp)
નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે નાણા પ્રધાન નિર્મલા સીતારામને લોકસભામાં નવું ઈન્કમટેક્સ બિલ રજૂ કર્યું હતું. વિપક્ષે આ બિલને લઈ વિરોધ કર્યો હતો.
બિલ રજૂ કરતાં સીતારામને અધ્યક્ષ બિરલાને ગૃહની પસંદગી સમિતિને ડ્રાફ્ટ કાયદો મોકલવા વિનંતી કરી હતી. જે આગામી સત્રના પ્રથમ દિવસ સુધીમાં પોતાનો અહેવાલ સુપરત કરશે. તેમણે અધ્યક્ષને પ્રસ્તાવિત પેનલની રચના અને નિયમો અંગે નિર્ણય લેવા વિનંતી કરી હતી.
પ્રસ્તાવિત બિલમાં કરવેરા આકારણી વર્ષ અને પાછલા વર્ષ જેવા શબ્દોને કરવેરા વર્ષ જેવા સરળ શબ્દોથી બદલવામાં આવશે, જે આવકવેરા કાયદાની ભાષાને સરળ બનાવશે. આ સાથે નવા કાયદામાંથી બિનજરૂરી જોગવાઈઓ અને સ્પષ્ટતા પણ દૂર કરવામાં આવશે.
નાણાં પ્રધાને બજેટમાં કરી હતી જાહેરાત
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને 1 ફેબ્રુઆરી, 2025 ના બજેટ ભાષણમાં આવકવેરા કાયદાને સરળ બનાવવા માટે એક નવા કાયદાની જાહેરાત કરી હતી. તેને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી પણ મળી ચૂકી છે. નવા આવકવેરા બિલમાં 536 કલમો છે. તેમાં 23 પ્રકરણો છે અને તે 622 પાનાનું છે. આ બિલ પસાર થયા પછી નવો આવકવેરા કાયદો વર્તમાન કાયદા કરતાં વધુ વ્યવસ્થિત અને સરળ બનશે.
આપણ વાંચો: Breaking News: આગામી સપ્તાહે આવશે Income Tax બિલ
એકવાર લાગુ થયા પછી, આવકવેરા બિલ 2025 છ દાયકા જૂના આવકવેરા અધિનિયમ 1961 નું સ્થાન લેશે. અગાઉનો કાયદો સમય જતાં અને વિવિધ સુધારા પછી ખૂબ જ જટિલ બની ગયો હતો, તેથી તેના સ્થાને નવું આવકવેરા બિલ લાવવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા પ્રસ્તાવિત નવા કાયદામાં, આવકવેરા અધિનિયમ, 1961 માં ઉલ્લેખિત ‘પાછલા વર્ષ’ (FY) શબ્દને ‘કરવેરા વર્ષ’ માં બદલવામાં આવ્યો છે. આ સાથે આકારણી વર્ષ (AY)ની વિભાવનાને દૂર કરવામાં આવી છે.
જૂના કાયદામાં વર્તમાન જટિલ સ્પષ્ટીકરણ અને જોગવાઈ હટાવવામાં આવી છે. જેનાથી તેને સમજવું આસાન થઈ ગયું છે. ક્રિપ્ટોકરન્સી જેવી વર્ચુઅલ ડિજિટલ એસેટ્સને હવે અનડિસ્ક્લોઝ્ડ ઈન્કમ માનવામાં આવશે. પારદર્શિતા વધારવા અને ટેક્સ ચોરીને રોકવા માટે નવો કાયદો લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત નવા બિલમાં કરદાતાને ચાર્ટર પણ સામેલ કરવામાં આવ્યા છે, જે કરદાતાઓના અધિકારીઓની રક્ષા કરશે અને ટેક્સ પદ્ધતિ પારદર્શી બનાવશે.
નવો ટેક્સ સ્લેબ
0-4 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
4-8 લાખ રૂપિયા સુધીની આવક પર 5 ટકા ટેક્સ
8-12 લાખ રૂપિયા સુધીની આવક પર 10 ટકા ટેક્સ
12-16 લાખ રૂપિયા સુધીની આવક પર 15 ટકા ટેક્સ
16-20 લાખ રૂપિયા સુધીની આવક પર 20 ટકા ટેક્સ
20-24 લાખ રૂપિયા સુધીની આવક પર 25 ટકા ટેક્સ
24 લાખ રૂપિયા સુધીની આવક પર 30 ટકા ટેક્સ