
લંડન: સર્વોચ્ચ ન્યાયાલય એ લોકતંત્રનો એક મહત્ત્વનો સ્તંભ છે. બી. આર. ગવઈ સર્વોચ્ચ ન્યાયાલયના 52માં મુખ્ય ન્યાયાધીશ છે. આ સિવાય તેઓ દેશના દલિત મુખ્ય ન્યાયાધીશ પણ છે. પોતાના આ પદ પર હોવાનો શ્રેય તેઓ ભારતના બંધારણને આપે છે. આ વાતને તેમણે ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલય ખાતેના પોતાના સંબોધનમાં કરી હતી.
10 જૂન 2025ને મંગળવારના રોજ ભારતના મુખ્ય ન્યાયધીશ બી.આર. ગવઈ લંડનની ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ‘પ્રતિનિધિત્વથી અમલીકરણ સુધી: બંધારણના વચનને સાકાર કરવા’ વિષય પર એક સભાનું સંબોધન કર્યું હતું.
મુખ્ય ન્યાયધીશે પોતાના સંબોધનમાં નગરપાલિકાની સામાન્ય શાળાથી લઈને દેશના સર્વોચ્ચ પદ પર પહોંચવાની યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. સાથોસાથ બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષના રૂપમાં ડૉ. બી. આર. આંબેડકરની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો.
આપણ વાંચો: કેટલા અમીર છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સહિત 33 જજ, શેર, સોનું સહિત તમામ વિગતો જાહેર…
બંધારણે આપ્યો બોલવાનો અધિકાર
સંબોધનમાં મુખ્ય ન્યાયધીશ બી.આર. ગવઈએ જણાવ્યું હતું કે, “કેટલાક દાયકાઓ પહેલા ભારતના લાખો નાગરિકોને ‘અસ્પૃશ્ય’ કહેવામાં આવતા હતા. તેઓને કહેવામાં આવતું હતું કે તે અપવિત્ર છે. તેઓને કહેવામાં આવતું કે તે પોતાના માટે બોલી શકતા નથી. પરંતુ આજે એજ લોકો પૈકીનો હું દેશના ન્યાયતંત્રની સર્વોચ્ચ પદ પર રહીને ખૂલીને બોલી રહ્યો છું. ભારતના બંધારણે તેને શક્ય બનાવ્યું છે.”
મુખ્ય ન્યાયધીશે બંધારણ વિશે આગળ જણાવ્યું કે, “બંધારણ નાગરિકોને જણાવે છે કે તેઓ પોતાના માટે બોલી શકે છે, સમાજ અને સત્તાના દરેક ક્ષેત્રમાં તેમનું સમાન સ્થાન છે. બંધારણ એ માત્ર કાનૂની પરવાનો કે રાજનૈતિક ઢાંચો નથી. તે એક લાગણી છે, જીવનરેખા છે, સહીંથી કોતરેલી એક મૂક ક્રાંતિ છે.”
આપણ વાંચો: કોણ હશે દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ? CJI Chandrachud સરકારને ભલામણ મોકલી
ભારતનું બંધારણ દેખાડો કરતું નથી
તેમણે વધુમાં જણાવ્યું કે, “બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. જે જાતિ, ગરીબી, બહિષ્કાર અને અન્યાયના ક્રૂર સત્ય સામેથી પોતાની નજર હટાવતો નથી. તે એવો દેખાડો નથી કરતો કે, ગાઢ અસમાનતાથી ભરેલા દેશમાં બધુ સમાન છે.
એના બદલે તે હસ્તક્ષેપ કરવાની, પટકથાને ફરીથી લખવાની, સત્તાને પુન: સંતુલિત કરવાની અને ગૌરવ પુનઃસ્થાપિત કરવાની હિંમત કરે છે. પ્રતિનિધિત્વના વિચારને ડૉ. આંબેડકરના દૃષ્ટિકોણમાં સૌથી શક્તિશાળી અને કાયમી અભિવ્યક્તિ મળી છે.”
ઉલ્લેખનીય છે કે, મુખ્ય ન્યાયધીશ બી.આર. ગવઈ હાલ લંડનના પ્રવાસે છે. જ્યાં તેઓ બંધારણ અને તેની કાયમી અસર અંગે વ્યાખ્યાન આપી રહ્યા છે. તેઓ મુખ્ય અતિથિ તરીકે જુદાજુદા કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે.